IT શેરોમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં જારી ઘટાડાને પગલે ઘરેલુ શેરબજારોમાં બીજા દિવસે કડાકો બોલી ગયો હતો. જેથી નિફ્ટી અને સેન્સેક્સ એક ટકાથી વધુ ઘટ્યા હતા. AIની અરથી IT શેરોમાં વેચવાલીના દબાણે બજારમાં ઘટાડો થયો હતો. હેવી વેઇટ RIL, ICICI બેન્ક અને HDFC બેન્કના શેરોએ બજારને નીચે વધુ ખેંચ્યું હતું. રોકાણકારોના સાત લાખ કરોડ સ્વાહા થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી.  

ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટીને 82,627એ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 336 પોઇન્ટ તૂટીને 25,471એ બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં 553 પોઇન્ટ તૂટીને 60,187 બંધ થયો હતો. આ સાથે મિડકેપ ઇન્ડેક્સ 1033 પોઇન્ટ તૂટીને 59,438એ બંધ થયો હતો. સેન્સેક્સ 30માંથી 28 શેરો ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી 50માંથી 45 શેરો ઘટીને બંધ રહ્યા હતા.

અમેરિકી બજારોમાં ગુરુવારે જોરદાર ઘટાડો નોંધાયો હતો. જેથી રોકાણકારોએ ટેક્નોલોજી શેરોથી અંતર બનાવ્યું હતું. બજારમાં AIથી જોડાયેલી નવી ચિંતાઓએ બજારમાં ડરનો માહોલ હતો. દેશની IT કંપનીઓ- જે ઓછા ખર્ચે કર્મચારીઓ પર નિર્ભર છે. જેથી ભવિષ્ટમાં નેસ્ડેકની કંપનીઓને મુકાબલે વધુ આકરી હરીફાઈનો સામનો કરવો પડશે. બજારમાં મોટા ભાગના ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા.

BSE પર કુલ 4364 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1318 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2882 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 164 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 83 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 193 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 11 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 9 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.