સુરક્ષા તપાસમાં એર ઈન્ડિયાનાં વિમાનોમાં મળી 100 ખામીઓઃ DGCA

નવી દિલ્હીઃ જો તમે પણ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો તો આ ખબર તમારું મન ચિંતાથી ભરી દેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા એર ઈન્ડિયા સાથે સંબંધિત ઘણી ખામીઓનો ખુલાસો થયો છે. પાઇલટો અને કેબિન ક્રૂની તાલીમ, આરામ અને ડ્યુટીના નિયમો તેમ જ ઉડાન ભરવી અને ઉતરવા સંબંધિત માપદંડોમાં આશરે 100 પ્રકારની ખામીઓ મળી છે, એમ અહેવાલ કહે છે.

DGCA દ્વારા આ ખુલાસો તાજેતરમાં કરાયેલા ઓડિટ પછી થયો છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનું કારણ છે. DGCAની રિપોર્ટમાં સાત ખામીઓને ‘લેવલ-1’ના રૂપમાં વર્ણવી છે, અર્થાત્ આ ખામીઓ અત્યંત ગંભીર છે અને તરત સુધારવાની જરૂર છે. બાકી 44 ખામીઓ 23 ઓગસ્ટ સુધી સુધારવાની સૂચના આપવામાં આવી છે. જોકે આ ખામીઓની સંપૂર્ણ યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.

એર ઈન્ડિયાએ ખામીઓ સ્વીકારી

એર ઈન્ડિયાએ એક નિવેદન દ્વારા આ ઓડિટનાં પરિણામોને સ્વીકાર્યાં છે. કંપનીએ જણાવ્યું હતું કે તે નિર્ધારિત સમયમર્યાદાની અંદર DGCAને પોતાનો જવાબ આપશે. આ ઓડિટ એવા સમયે થયું છે જ્યારે 12 જૂનની વિમાન દુર્ઘટના પછી નિયામક સંસ્થા એરલાઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

DGCA દ્વારા ચાર કારણ બતાવો નોટિસ

એર ઈન્ડિયાના ગુરુગ્રામ સ્થિત મુખ્ય મથકમાં આ ઓડિટ 1થી 4 જુલાઈ વચ્ચે કરવામાં આવી હતી, જેમાં ફ્લાઇટ ઓપરેશન, શેડ્યુલિંગ, સ્ટાફની ડ્યુટી અને તાલીમ સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી. આ તપાસ પછી DGCAએ 23 જુલાઈએ એર ઈન્ડિયાને ચાર “કારણ બતાવો” નોટિસ મોકલી હતી. આ નોટિસ ખાસ કરીને કેબિન ક્રૂની ડ્યુટી અને આરામ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આપવામાં આવી હતી. આ પહેલા 21 જૂને DGCAએ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત ત્રણ અધિકારીઓને બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો.