નવી દિલ્હીઃ EDએ રવિવારે ગોવામાં નોંધાયેલા એક ડિજિટલ અરેસ્ટ કેસ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે. EDએ જણાવ્યું કે તપાસ દરમિયાન સમગ્ર ભારતમાં ફેલાયેલા સાયબર ફ્રોડના સંગઠિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્ક સાથે જોડાયેલાં બેંક ખાતાંઓ સામે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 163થી વધુ FIR નોંધવામાં આવી છે અને કુલ રૂ. 400 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 19 હેઠળ ધરપકડ કરાયેલા ફહીમ મોઈન હુસેન સઈદ અને નઈમ મુઈન સઈદને સોમવારે ગોવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ તપાસ ગોવાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલી FIR સાથે જોડાયેલી છે. આ કેસમાં એક સ્થાનિક મહિલાને કથિત રીતે ડિજિટલ અરેસ્ટને નામે રૂ. 2.6 કરોડ ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ ઘટના 21 મે, 2025થી 2 જૂન, 2025 દરમિયાન બની હતી. મહિલાને ખોટી રીતે આ ખાતાઓને ‘સિક્રેટ સુપરવિઝન એકાઉન્ટ્સ’ તરીકે જણાવવામાં આવ્યા હતા અને તેમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
કેવી રીતે થયો ખુલાસો?
EDએ જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું કે સાયબર ફ્રોડથી મળેલી રકમને પહેલા બેંકિંગ ક્રેડિટ તરીકે મેળવવામાં આવતી અને ત્યારબાદ તેને રોકડ તથા વિદેશી ચલણમાં રૂપાંતરિત કરવા માટે એક સંગઠિત સિસ્ટમ કામ કરતી હતી. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી લાઇસન્સ ધરાવતી કંપનીઓનો મની ચેન્જર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
કેવી રીતે કામ કરતું હતું નેટવર્ક?
EDના જણાવ્યાનુસાર જે કંપનીઓ મારફતે પૈસા મોકલવામાં આવતા હતા, તે ઓછી આવક ધરાવતા લોકોને નામે બનાવવામાં આવી હતી. તેમાં કર્મચારીઓ, ડ્રાઇવરો અને એક રૂમના મકાનોમાં રહેતા લોકોનો સમાવેશ થતો હતો. તેમને કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવતા હતા, જ્યારે કંપનીનાં બેંક ખાતાંઓ અને સમગ્ર કામગીરીનો કંટ્રોલ અન્ય લોકો પાસે રહેતો હતો. પીડિતોના પૈસા થોડા જ કલાકોમાં પહેલા તબક્કાના નિષ્ક્રિય અને નવાં ખોલવામાં આવેલાં ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. ત્યાર બાદ આ રકમ 400થી વધુ લાભાર્થી ખાતાઓમાં વહેંચી દેવામાં આવતી હતી.

આ સમગ્ર ટ્રાન્ઝેક્શનની તપાસ કરતાં કોમોડિટી, ટ્રેડિંગ, ટ્રાવેલ અને ફોરેક્સ ક્ષેત્રની સંસ્થાઓનું એકબીજા સાથે જોડાયેલું નેટવર્ક સામે આવ્યું હતું. આ કંપનીઓ દ્વારા મળીને રૂ. 27,850 કરોડથી વધુના બેંકિંગ વ્યવહારો કરવામાં આવ્યા હતા. ઉપરાંત લગભગ રૂ. 2904 કરોડ રોકડ જમા કરવામાં આવી હતી. તેમાં વિવિધ સ્થળોએ 61,448 બલ્ક નોટ એક્સેપ્ટન્સ મશીન (BNA) ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 584.70 કરોડનો સમાવેશ થાય છે.
EDએ જણાવ્યું કે તપાસમાં આ કંપનીઓના ખાતાઓ સામે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 330 પીડિતોની ફરિયાદો અને 163 FIR નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેસોમાં કુલ રૂ. 417.49 કરોડનું નુકસાન થયું છે.




