|
સત્તા આગળ શાણપણ નકામું
|
સત્તા અધિકાર આપે છે. અધિકાર એટલે નિર્ણય લેવાની અને સારું-ખરાબ નક્કી કરવાની શક્તિ. કોઈને ફાયદો કરવાની કે નુકસાન પહોંચાડવાની સત્તા જેના હાથમાં હોય, તેની સામે ગમે તેટલો શાણો માણસ પણ ઘણીવાર સફળ થઈ શકતો નથી.
એવું કહેવાય છે કે જ્યારે રાવણના દૂતોએ સભામાં આવીને જાણ કરી કે ભગવાન શ્રીરામ વાંદરા અને રીંછોની વિશાળ સેના સાથે દરિયા પર સેતુ બાંધીને લંકા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે કુંભકર્ણ, મેઘનાદ સહિત રાવણના અનેક સુભટોએ ગર્વથી કહ્યું હતું કે, “આ વાંદરા અને રીંછોને તો ચપટીમાં ચોળી નાખીશું.”

આ બધાની વચ્ચે સુધનવા નામના એક બુદ્ધિશાળી વ્યક્તિએ ઊભા થઈને વિચારપૂર્ણ સલાહ આપી. તેણે કહ્યું કે, “લંકામાં એક જ વાંદરો (હનુમાન) ઘૂસી આવ્યો હતો. તેણે અશોકવાટિકા ઉજાડી, અનેક યોદ્ધાઓને હરાવ્યા અને અંતે આખી લંકાને આગ ચાંપી દીધી. હવે જ્યારે આવા અસંખ્ય વાંદરા અને રીંછો આવી રહ્યા છે, ત્યારે દુશ્મનને હળવાશથી લેવું યોગ્ય નથી.”
પરંતુ આખી સભાએ તેની વાતને ગંભીરતાથી લેવાના બદલે તેને ‘કાયર’ કહીને ઉતારી પાડી. જો તે સમયે સુધનવાની સલાહને યોગ્ય મહત્ત્વ આપવામાં આવ્યું હોત, તો કદાચ રામાયણનો ઇતિહાસ કંઈક અલગ જ હોત.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




