બિહાર ચૂંટણીજંગમાં RJD, કોંગ્રેસ અને CPI આમનેસામને

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલા મતભેદ હવે સપાટી પર આવી ગયા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા 143 ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ગઠબંધનના મુખ્ય સાથીદારો — RJD, કોંગ્રેસ અને CPI — ઓછામાં ઓછી નવ બેઠકો પર એકબીજાના વિરુદ્ધ ટક્કર આપવા તૈયાર છે.

RJDએ 143 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ લગભગ 65 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગઠબંધનની અંદર બેઠકોની સંખ્યા અંગે સંપૂર્ણ સહમતી સધાઈ નથી.RJD વિરુદ્ધ કોંગ્રેસ: પાંચ બેઠકો પર સીધી ટક્કર

RJDની યાદી બહાર આવતાં કોંગ્રેસ અને RJD વચ્ચે પાંચ બેઠકો પર સીધી ટક્કરની સ્થિતિ બની છે. જોકે RJDએ ગઠબંધનની મર્યાદા રાખી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ રાજેશ રામ સામે ઉમેદવાર ઉતાર્યો નથી. તેમ છતાં નીચેની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સ્પર્ધા માનવામાં આવી રહી છે:

જે બેઠકો વચ્ચે ચૂંટણી જંગ છે, જેમાં નરકટિયાગંજ (પશ્ચિમી ચંપારણ), કહલગંજ (ભાગલપુર), સુલ્તાનગંજ (ભાગલપુર),  લાલગંજ (વૈશાલી) અને  વૈશાલી પર સીધી ટક્કર થશે. આ તમામ બેઠકો ગઠબંધનની વ્યૂહરચના માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે અહીં મત વિભાજન થવાથી તેનો સીધો ફાયદો NDA એલાયન્સને મળે એવી શક્યતા છે.

કોંગ્રેસ વિરુદ્ધ CPI: ડાબેરી પક્ષો સાથે પણ ટકરાવ

માત્ર RJD જ નહીં, કોંગ્રેસનો ટકરાવ ડાબેરી પક્ષ CPI સાથે પણ જોવા મળશે. ગઠબંધનના આ બે સાથી પક્ષો ઓછામાં ઓછી ચાર બેઠકો પર આમનેસામને છે જેમાં  બછવાડા (બેગુસરાય),  રોસડા (સમસ્તીપુર), રાજાપાકડ (વૈશાલી) અને બિહારશરીફ (નાલંદા) પર છે.