રાજકોટ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવાની કુર્મી સેનાની માગ

રાજકોટ: ગુજરાતનાં રાજકીય મોરચે લાંબા સમય બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને લઈને ચર્ચા જાગી છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ આજે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે, સૌરાષ્ટ્ર-ગુજરાતના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચતું કરવા અને ગ્રામીણ વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર, ગુજરાતમાં ભાજપને સત્તા અપાવનાર પાયાના પથ્થર સ્વ. કેશુભાઈ પટેલ આજે ભુલાઈ ગયા છે. ભાજપમાં પણ વિસરાયા છે ત્યારે તેમના યોગદાનનું સામાજિક ઋણ અદા કરવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે.

કુર્મી સેના દ્વારા આગામી તારીખ 27 ઓકટોબરે રાજકોટના મવડી વિસ્તારમાં સ્વ.કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિતે અંજલિ આપવા એક ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે.

કુર્મી સેનાના આગેવાનો ચિરાગ પટેલ, જીજ્ઞેશ કાલાવડીયાએ આજે રાજકોટ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના વિકાસમાં કેશુભાઈ પટેલનું મોટું યોગદાન છે. ભાજપની જવાબદારી છે, તેમના યોગદાનને આજની પેઢી સુધી લઈ જવાની. પણ કોઈ કારણોસર તેવું થયું નથી એટલે કુર્મી સેના તેમને અંજલિ આપવા અને તેમના યોગદાન-યોજનાઓને લોકો સુધી પહોંચાડવા રાજકોટમાં રવિવારે રાત્રે 8 વાગ્યે એક સભા યોજશે.

આ સભામાં હાજરી આપવા ખોડલધામ, સીદસર ધામ સહિતની પાટીદાર સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, શરદ પવાર સહિતના નેતાઓ કુર્મી હોય તેમને પણ આમંત્રણ અપાયા છે. આ સભામાં સ્વ. કેશુભાઈ પટેલનું નામ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવા ઠરાવ થશે. “ધરતીપુત્ર કેશુભાઈ” નામનું પુસ્તક જાણીતા પત્રકાર દિલીપ પટેલે લખ્યું છે તેનું વિમોચન પણ થશે. આ તકે એક શોર્ટ ફિલ્મ કેશુભાઈના જીવન પર બની છે તેનું સ્ક્રિનીંગ પણ કરાશે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નીશુ કાચા)