રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દેશમાં એક લાખ શાખાઓ ખોલશે. જેમાં ભૂજમાં તારીખ 5 અને 7 નવેમ્બર દરમિયાન સંઘની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. તથા રાષ્ટ્રવાદ, હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિનો ‘નેરેટિવ સેટ કરવા’ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાશે. અત્યાર સુધીમાં દેશભરમાં સંઘની 65,000 શાખાઓ છે. જેમાં હવે દેશમાં એક લાખ શાખાઓ થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળ – કારોબારી સમિતિ-ની બેઠક આ વખતે 5થી 7 નવેમ્બર દરમિયાન ભૂજમાં યોજાવાની છે. તે સમયે સંઘના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આવતું વર્ષ સંઘની સ્થાપનાનું શતાબ્દી વર્ષ હોવાથી તેની અનોખી ઊજવણી કરવાનું આયોજન છે. અત્યાર સુધીમાં દેશભરમાં સંઘની 65,000 શાખાઓ છે. આ ડિસેમ્બર સુધીમાં વધુ 10 હજાર શરૂ થશે. શતાબ્દી વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં એક લાખથી પણ વધુ શાખાઓ ખોલવાનું લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતાં સૂત્રોએ કહ્યું હતું કે, છેલ્લા 70 કરતાં પણ વધુ વર્ષોથી દેશમાં સાંસ્કૃતિક માર્ક્સવાદ અને સેક્યુલારિઝમના નામે સુડો-સેક્યુલારિઝમ જ પ્રવર્ત્યો છે. જેના પરિણામે દેશની સદીઓ પુરાણી હિન્દુ સંસ્કૃતિથી હિન્દુ સમાજ વધુને વધુ વિમુખ થતો ગયો છે. સંઘની સામુહિક વિચારધારા એ છે કે, હવે જ્યારે સત્તાકીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે ત્યારે વધુને વધુ યુવાનો, નાગરિકોને હિન્દુ સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ, સંસ્કારના મૂલ્યોનું સિંચન કરી તેમને રાષ્ટ્ર-ધર્મના કર્તવ્ય પ્રત્યે વધુ સભાન અને સજાગ બનાવવાનું સંઘની સ્થાપનાની શતાબ્દી વર્ષનું ધ્યેય છે. આ દિશામાં એક રાષ્ટ્રવ્યાપી ‘નેરેટિવ સેટ’ કરવામાં આવશે.
વધુને વધુ શાખાઓ ખોલવા ઉપરાંત આ સમયગાળામાં 2,500 નવા પ્રચારકો પણ નિમવામાં આવશે, જે વિવિધ પ્રાંત અને પ્રદેશમાં યુવાનોને સંઘની રાષ્ટ્રીય વિચારસરણીથી વાકેફ કરશે અને સાથે જ સામાજિક સમરસતા પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ રહેશે. ભૂજમાં યોજાનારી કારોબારીમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે તથા કારોબારીના સભ્યો અને 45 પ્રાન્તના હોદ્દેદારો સહિત સંઘની ભગિની સંસ્થાઓના સંગઠન મંત્રીઓ પણ જોડાશે.