ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ પછી હત્યાઃલોકોમાં ભારે આક્રોશ

પુણેઃ મહારાષ્ટ્રના ભોર તાલુકાના નસરાપુર ગામમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચાર વર્ષની એક માસૂમ બાળકી સાથે ગંભીર ગુનો કર્યા પછી તેની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગુસ્સાનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શુક્રવારે પોતાના ઘર બહાર રમતી હતી. એ દરમિયાન ગામની જ એક 65 વર્ષીય વ્યક્તિએ તેને લલચાવીને નજીકના પશુના વાડામાં લઈ ગયો. ત્યાં તેણે બાળકી સાથે ગેરકૃત્ય કર્યું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી.

CCTVમાં માસૂમને લઈ જતા આરોપીનો પર્દાફાશ

બપોર દરમિયાન જ્યારે બાળકી લાંબા સમય સુધી દેખાઈ નહીં, ત્યારે પરિવારજનોએ તેની શોધ શરૂ કરી. શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ વાડામાં મળ્યો. ત્યાર બાદ આસપાસના CCTV ફુટેજ તપાસવામાં આવ્યા, જેમાં આરોપી બાળકીને વાડાની તરફ લઈ જતા જોવા મળ્યો, જેનાથી આ જઘન્ય ગુનાનો ખુલાસો થયો હતો.

પશુ વાડામાં મળ્યો બાળકીનો મૃતદેહ

આરોપીએ મૃતદેહ છુપાવવા માટે તેને ગોબરના ઢગલા નીચે દબાવી દીધો હતો. બપોરે બાળકી ઘરે પાછી ન ફરતાં પરિવારજનો ચિંતિત થયા અને ગામલોકોએ પણ શોધમાં સહકાર આપ્યો. ઘણી શોધખોળ બાદ વાડાની અંદરથી બાળકીનોં મૃતદેહ મળી આવ્યો, જેને કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો

ગામલોકોમાં ભારે રોષ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાળકી રજાઓમાં પોતાની દાદીના ઘરે આવી હતી. આ દુઃખદ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સ્ટેશન બહાર મૃતદેહ મૂકી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા રોકી દીધા હતા. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટના સમાજને ઢંઢોળી નાખે તેવી છે અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.