અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર સામેે આવ્યા છે. જોકે ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બની શકે છે. ફરી વાતાવરણમાં મોટા પલટાના સંકેતો મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને કરા સાથે વરસાદ લાવી શકે છે.
ક્યાં પડશે વરસાદી ઝાપટાં?
અંબાલાલ પટેલની આગાહી મુજબ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.
ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે
સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.




