સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે આ નેતાની થઈ ગઈ ઘર વાપસી

હરિયાણા: અહીં વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર આજે(શુક્રવારે) સવારે કોંગ્રેસમાં જોડાયા હતા. રમિત ખટ્ટર મનોહરલાલ ખટ્ટરના ભાઈ જગદીશ ખટ્ટરના પુત્ર છે. જો કે થોડાંક જ કલાકોમાં તેઓ પાછા ભાજપમાં જતા રહ્યા છે. આમ તેમણે ‘આયા રામ ગયા રામ’ની જેમ એક જ દિવસમાં બે પક્ષોની સદસ્યતા લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હરિયાણાના દિગ્ગજ નેતા કહેવાતા રમિત ખટ્ટર શુક્રવારે ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જો કે થોડાંક જ કલાકોની અંદર રમિત ભાજપમાં પરત ફર્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર મનીષ ગ્રોવરની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં જોડાયા છે. રમિતે એક જ દિવસમાં બે વખત પક્ષ બદલવાનું કોઈ કારણ આપ્યું નથી. એવું કહેવાય છે કે, ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરાયો હતો અને કોઈક રીતે તેઓ પાછા ફરવા માટે રાજી થયા હતા.મનોહર લાલ ખટ્ટર હજુ પણ રાજ્યમાં મોટા નેતા છે અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના ભત્રીજાનું કોંગ્રેસમાં જોડાવું એ ભાજપ માટે મોટા ફટકા સમાન હતું. તેથી જ રમિત કોંગ્રેસમાં જતા ભાજપના નેતાઓ એક્ટીવ થયા હતા અને છેવટે તેઓ થોડાંક જ કલાકોમાં ભાજપમાં પરત આવી ગયા છે.