ગેમઝોન દુર્ઘટનાને એક મહિનો, કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન

રાજકોટ:  શહેરના નાનામવા નજીક આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે ઘટનાને એક મહિનો થવા આવ્યો છે. છતાં હજુ પીડિતોના આંસુ સુકાયા નથી. ન્યાય મેળવવા ઝંખી રહ્યા છે. ત્યારે 25મી જૂનના રોજ આ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે.કોંગ્રેસ સેવાદળ અને અન્ય સંગઠનોના વડાઓ છેલ્લા 25 દિવસથી રાજકોટમાં ફરી રહ્યા છે. વેપારીઓ, સામાન્ય લોકો અને પીડિતોને મળી રહ્યા છે. સોમવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે, “રાજકોટના અગ્નિ કાંડમાં મૃત્યુ પામનાર લોકોને ન્યાય મળે અને નાની માછલીઓ નહીં પણ આ કાંડમાં સંડોવાયેલા મોટા નેતાઓ – મગરમચ્છો સામે પગલાં લેવાય તે જરૂરી છે. મોટાં માથાંની ધરપકડ થાય તેવી માગણી સાથે માનવતાની દષ્ટિએ રાજકોટ બંધનું મંગળવારના રોજ એલાન આપ્યું છે. રાજકોટના લોકોને અમારી અપીલ છે કે માનવતાના નાતે એક દિવસ વેપાર ધંધા બંધ રાખીને પીડિત પરિવારોને પડખે ઊભા રહે.”

શક્તિસિંહ ગોહિલે એવો આક્ષેપ કર્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સંસદીય રાજકીય કારકિર્દી રાજકોટથી શરૂ કરી છે. ત્યારે રાજકોટમાં આવી ભયંકર આગની ઘટનામાં 27 લોકો મોતને ભેટ્યા છે. છતાં વડાપ્રધાન રાજકોટમાં આ દુર્ઘટનાના પીડિત પરિવારોના આંસુ લુછવા આવ્યા નથી. જ્યારે કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે ઓનલાઇન વાત કરીને કોંગ્રેસ ન્યાય અપાવવા પૂરી મદદ કરશે તેવી ખાતરી આપી છે.”

રાજકોટમાં બંધના એલાનને સફળ બનાવવા આગેવાનો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પરેશ ધાનાણી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ આવી પહોંચ્યા. લોકો સાથે અને કાર્યકરો સાથે બેઠકો કરી રહ્યા છે. સરકારે આ ઘટનામાં તપાસ સમિતિની રચના કરી છે અને 15 જેટલા આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)