ક્ષત્રિયો પછી હવે રૂપાલા કરશે શક્તિ પ્રદર્શન?

રાજકોટ:  લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રવિવારે રાજકોટ નજીક રતનપરમાં યોજાયેલા ક્ષત્રિયોના મહાસંમેલન બાદ હવે આ વિવાદ વાવાઝોડાના રૂપમાં ફેરવાય રહ્યો છે. ક્ષત્રિયોએ જો રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ભાજપના બહિષ્કારની ચીમકી આપી છે. આ મહાસંમેલન બાદ મંગળવારે રાજકોટમાં રૂપાલા શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી કરવા જવાના છે. ભાજપે આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં વિરાટ જનમેદની એ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. જો કે ભાજપ આ વિવાદમાં હજુ પણ ઝૂકવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ ભાજપની ટીમે 16મી એ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં રોડ શોનું આયોજન કર્યું છે.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા જાગનાથ મંદિરે સવારે 9 વાગ્યે પરશોત્તમ રૂપાલા દર્શન કરવા જશે અને ત્યાંથી ખુલ્લી જીપમાં બેસી રોડ શો સાથે બહુમાળી ભવન ખાતે પહોંચશે. સરદાર પટેલની પ્રતિમા પાસે વિશાળ જન સભા પણ યોજાશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભરત બોઘરા સહિતના નેતાઓની હાજરીમાં જનસભાને તેઓ સંબોધન કરશે. ત્યારબાદ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં કલેકટર કચેરીએ જઇને ઉમેદવારી ફોર્મ ભરશે. આ અંગે ભાજપ નેતાઓએ લોકોને મોટી સંખ્યામાં સભામાં આવવા અપીલ પણ સોશિયલ મીડિયા મારફતે કરી રહ્યા છે.ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરાવવા હવે વટ ઉપર ઉતર્યા છે. તેઓ પણ આ મામલે પીછેહટ કરવા માંગતા નથી. 19 તારીખ સુધીનું તેમણે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે. તો બીજી બાજુ ભાજપ પણ મક્કમ છે. રાજકોટની ચુંટણી આ વિવાદને કારણે હાલ તો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

 (દેવેન્દ્ર જાની – રાજકોટ)

(તસવીર- નીશુ કાચા)