જયપુર: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વર્ષ 1954માં કમલા બેનીવાલ 27 વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા.
કમલા બેનીવાલ સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2003માં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન સરકારમાં અનેક વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યાહતા. વર્ષ 2009થી 2024 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે તેમણે આઝાદીની લડતમાં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
