ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ધરમપુરમાં 3.4 ઈંચ, કપરાડામાં 2.2 ઈંચ, વાપી અને પારડીમાં 3 ઈંચ, ખેરગામમાં 2.9 ઈંચ વરસાદ આવ્યો છે. ટંકારામાં 2.4 ઈંચ, ઉમરગામ, ગણદેવી, વાંસદામાં 2 ઈંચ, વલસાડ, વઘઈ, ભરુચ, ડોલવણમાં 1.9 ઈંચ સાથે ઝઘડિયા, આમોદ, સોજિત્રા, સાગબારામાં 1 ઈંચ વરસાદ આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના ભારે દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત

ભારે વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે. ભાવનગર અને અમરેલી છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી છે.