ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે.ગુજરાતના કેટવાક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. કમોસમી વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.
આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં આંધી-વંટોળનો માહોલ છવાયો છે. ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સાંજના સમયે આંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યો.
રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં રાજ્યના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 3 જિલ્લામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ, નવસારીના વાંસદામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ અને ઈડર તથા વઘઈમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની 63મી મેચ છે. ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામસામે છે. શહેરમાં વરસાદી છાંટા શરૂ થતાં આજની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદની વચ્ચે પણ લોકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા છે.