ચીન મામલે રાહુલ ગાંધીને કોર્ટની ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટની આ ટીકા 9 ડિસેમ્બર, 2022એ ભારત અને ચીનના સૈન્યો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ ભારતીય સેના પર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન કબજે કરી છે? તમારા પાસે શી વિશ્વસનીય માહિતી છે? જો તમે સાચા ભારતીય હો તો તમે આવું નહીં કહો. જ્યારે સરહદ પર કોઈ વિવાદ થાય છે, ત્યારે શું તમે આવું કહી શકો? તમે સંસદમાં પ્રશ્ન કેમ નથી પૂછતા?

રાહુલ ગાંધીની ટિપ્પણી શી હતી

રાહુલ ગાંધીએ 2023ની ભારત જોડો યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે એક ભૂતપૂર્વ સેના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન કબજે કરી છે. આ ટિપ્પણીને લઈને દાખલ માનહાનિ કેસ સામે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિ.મી. જમીન કબજે કરી છે? અને ભાર આપીને કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય હો તો આવું નહીં કહો.

જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેંચે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું હતું કે તમે વિરોધ પક્ષના નેતા છો. સંસદમાં વાત કરો, સોશિયલ મિડિયામાં કેમ કહો છો? આ દરમ્યાન, સુપ્રીમ કોર્ટએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ભારતીય સેના અંગે આપમાનજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સામે નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.