રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે, જેમાં રાજ ઠાકરે અને તેમની પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે આદેશ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. અરજદાર ઘનશ્યામ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમણે અગાઉ હિન્દી ભાષાના મુદ્દે બિનમરાઠી નાગરિકો પર થતા હુમલાઓ અંગે અધિકારીઓને ફરિયાદ પાઠવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ઉપાધ્યાયે કહ્યું હતું કે અનેક વખત ફરિયાદ કર્યા છતાં રાજ ઠાકરે અને તેમની પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ કોઈ FIR નોંધવામાં આવી નથી, જેના કારણે તેમને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં પડ્યાં છે.

આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ ઠાકરે મરાઠી ભાષાને નામે બિનમરાઠી નાગરિકો પર થતા હુમલાઓને યોગ્ય ઠેરવનાર પ્રયત્નો કરી રહ્યા છે. અરજીમાં પાંચ જુલાઈએ રાજ ઠાકરેના કાકાના દીકરા અને શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં યોજાયેલી વિજય રેલીનો પણ ઉલ્લેખ કરાયો છે અને એવો દાવો કરાયો છે કે રાજ ઠાકરે મરાઠી ન બોલનારા લોકોની પિટાઈને યોગ્ય ગણાવી હતી.

અરજદારે દાવો કર્યો છે કે રાજ ઠાકરે મરાઠી ભાષાના મુદ્દાને રાજકીય લાભ માટે ઉછાળી રહ્યા છે જેથી આગામી BMC ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય. નોંધનીય છે કે મુંબઈમાં મરાઠી વર્સસ હિન્દી ભાષાનો વિવાદ શમતો નથી. રાજ ઠાકરેના સમર્થકો તરફથી બિનમરાઠી લોકો પર હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં મનસેના નેતાના પુત્રએ, જે દારૂના નશામાં હતો, ઇન્ફ્લૂએન્સર રાજશ્રી મોરે સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તે પહેલાં એક દુકાનદારને માત્ર મરાઠી ન બોલવાને કારણે માર મારવામાં આવ્યો હતો.