સતત ત્રીજા દિવસે નફારૂપી વેચવાલીઃ સેન્સેક્સ 872 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ  ઘરેલુ શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 24,700ની નીચે બંધ આવ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સતત છ દિવસની તેજી પછી બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. રોકાણકારોના રૂ. 5.35 લાખ કરોડ સ્વાહા થયા હતા.

આ ઉપરાંત એશિયાઇ દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના 250થી વધુ કેસો નોંધાવવાના કારણે શેરબજારમાં ભયનો માહોલ છવાયો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક મોટા કડાકા બોલી ગયા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 82000ની સપાટી તોડી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઉંધા માથે પટકાયા હતા. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. સેન્સેક્સ 873 પોઇન્ટ તૂટીને 81186.44ના સ્તરે બંધ યો હતો, જ્યારે નિફ્ટી 262 પોઇન્ટ તૂટીને 24,683ના મથાળે બંધ થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ હળવો થયા બાદ ટેરિફ વોર પણ શાંત પડી જવાના કારણે મુંબઇ શેરબજારે ફરી તેજીનો ટ્રેક હાંસલ કરી લીધો હતો. પરંતુ વિશ્વમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. એશિયાઇ દેશોમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન સતત વધારો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના 250થી વધુ કેસો નોંધાયા હતા. જેને કારણે શેરબજાર પર વિપરિત અસર થવા પામી છે.

BSE પર કુલ 4104 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1448 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2522 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 134 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 82 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 29 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 243 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 192 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.