શેરબજારમાં નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 79 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ આવી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓની દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી, પરિણામે સેન્સેક્સ 31,600 અને નિફટી 9900ની નીચે ગયા હતા. એફઆઈઆઈ તો નેટ સેલર હતી, તેજીવાળા ઓપરેટરોએ આજે હેવીવેઈટ શેરોમાં વેચવાલી કાઢી હતી, પરિણામે નવી મજબૂતી અટકી ગઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 79.68(0.25 ટકા) ઘટી 31,592.03 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 26.20(0.26 ટકા) ઘટી 9888.70 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટ સવારે મજબૂત હતા. હોંગકોંગ, સાઉથ કોરિયા અને ચીન સ્ટોક માર્કેટ બંધ હતા.જાપાન સ્ટોક માર્કેટ શરૂની મજબૂતી પછી ફલેટ હતું. જેની પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા, અને શરૂમાં નવી લેવાલીથી મજબૂતી થોડી આગળ વધી હતી. જો કે બપોર બાદ યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ઓપન થયા હતા. આથી તેજીવાળાઓએ હેવીવેઈટ શેરોમાં ઊંચા મથાળે નફો ગાંઠે કરવાની તક ઝડપી લીધી હતી. પીએસયુ અને સરકારી બેંકોના શેરોમાં વેચવાલીનું પ્રેશર આવ્યું હતું. તેમજ ઓઈલ કંપનીઓના શેરોમાં પણ વેચવાલી આવી હતી. ક્રૂડ કીમતોમાં ઘટાડો થતાં તેલ કંપનીઓને ઈન્વેન્ટરી લોસ થઈ રહ્યો છે. પરિણામે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી ઘટ્યા હતા.

  • નરમ બજારમાં પણ આજે ફાર્મા અને મેટલ શેરોમાં ટેકારૂપી લેવાલીથી મજબૂતી આવી હતી.
  • રોકડાના શેરોમાં તેજી આગળ વધી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 77.25 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 128.95 ઊંચકાયો હતો.
  • ફોર્બ્સ ઈન્ડિયાએ ધનવાનોની યાદી જાહેર કરી છે. જે મુજબ રીલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી ટોપ ટેનની યાદીમાં નંબર વન પર રહ્યા છે.
  • મુંબઈમાં સીમેન્ટના ભાવ વધ્યા છે. જે કે લક્ષ્મી સીમેન્ટે 8 ટકા અને એસીસી તથા અંબુજા સીમેન્ટે 3 ટકા ભાવ વધાર્યા છે.
  • દેશનું સર્વપ્રથમ પાવર એક્સચેન્જ ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જનો આઈપીઓ 9 ઓકટોબરથી ખુલી રહ્યો છે, અને 11 ઓકટોબરે બંધ થશે. આઈપીઓમાં 9 શેરની લોટ સાઈઝ છે, અને પ્રાઈઝબેન્ડ રૂપિયા 1645-1650 છે. કંપની આઈપીઓ દ્વારા 1000 કરોડની મૂડી એકઠી કરશે.
  • એમએએસ(માસ) ફાયનાન્સિયલનો આઈપીઓ 6 ઓકટોબર ખુલીને 10 ઓકટોબરે બંધ થશે. આઈપીઓમાં શેરની પ્રાઈઝબેન્ડ રૂપિયા 456-459 નક્કી કરાઈ છે. શેરની લોટ સાઈઝ 32 શેરની છે. અને કંપની આઈપીઓ થકી રૂપિયા 460 કરોડની મૂડી મેળવશે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન પદનો કાર્યભાર રજનીશ કુમારે સંભાળી લીધો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]