‘મૃત્યુ પહેલા તુનિષાએ શીઝાન સાથે ઉગ્ર દલીલ કરી હતી’, પોલીસ રિમાન્ડ કોપી આવી સામે

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ટેલિવિઝન સિરિયલના સેટ પર મૃત હાલતમાં મળી આવેલી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા પહેલા શીઝાન ખાન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના થોડા સમય બાદ અભિનેત્રીએ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું. પોલીસે શુક્રવારે કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ કોપીમાં આ બાબત સામે આવી છે. ખાન (27)ની રવિવારના રોજ જિલ્લાની વાલિવ પોલીસે શર્માની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં કામ કરનાર તુનિષા (21) શનિવારે વસઈ નજીક તેના શોના સેટ પર લટકતી હાલતમાં મળી આવી હતી.

શીઝાન સામેની પોલીસ રિમાન્ડ કોપી મુજબ, ’24 ડિસેમ્બરે આત્મહત્યા કરતા પહેલા તુનીશા શીજાનના મેક-અપ રૂમમાં ગઈ હતી અને તેની સાથે થોડો સમય વાત કરી હતી. આ પછી શીજાન સીન શૂટ કરવા માટે તેના રૂમમાંથી સેટ પર ગયો હતો. તુનિષા પણ સિરિયલના સેટના ગેટ સુધી તેની પાછળ ગઈ અને પછી ત્યાંથી પાછી ફરી અને તેના મેક-અપ રૂમમાં ગઈ. થોડા સમય પછી તુનીષાએ પોતાનો મોબાઈલ પોતાના મેકઅપ રૂમમાં રાખ્યો અને શીજાનના મેકઅપ રૂમમાં ગઈ. આ બધુ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે.

શીઝાન તુનિષાને ટાળવા લાગ્યો

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફોટોગ્રાફ્સ અનુસાર આ દરમિયાન શીઝાન અને તુનિષા વચ્ચે કેટલીક શંકાસ્પદ વાતચીત થઈ હતી, પરંતુ જ્યારે આરોપીને તેના વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે અહીં-ત્યાં જવાબો આપી રહ્યો છે, તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. રિમાન્ડ કોપી મુજબ, ‘આરોપીના મોબાઈલમાંથી ઘણી મહત્વની ચેટ્સ મળી આવી છે, જેની તપાસમાં સામે આવી રહ્યું છે કે આરોપી અને તુનીશા વચ્ચે અફેર હતું અને બ્રેકઅપ પછી તે તેણીને ટાળવા લાગ્યો. તુનિષા તેને વારંવાર મેસેજ કરતી હતી, પરંતુ આરોપીએ તેનો જવાબ ન આપીને તેને ટાળી દીધી હતી.

રિમાન્ડ કોપીમાં પોલીસે કહ્યું છે કે, ‘શીઝાને તેના મોબાઈલમાંથી ઘણી ચેટ્સ ડિલીટ કરી છે. કેટલીક ચેટ્સ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. આરોપી શીઝાન ઘણી યુવતીઓ સાથે વાત કરતો હતો. તુનિષાની માતાએ પોતાના રેકોર્ડ કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે 24 ડિસેમ્બરે સીરિયલના સેટ પર શીઝાને તુનિષાને થપ્પડ મારી હતી. આ સિવાય તે તેના પર ઉર્દૂ શીખવા અને હિજાબ પહેરવાનું દબાણ કરતો હતો, આ અંગે પણ શીઝાનને પૂછપરછ કરવાની છે.