VIDEO: અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને ઉઠાવીને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ

દિલ્હી: જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અનશન પર બેઠા હતા. આજે સવારે અચાનક 7 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.

વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને ઉપવાસ કરી રહ્યા હતા. તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડ્યે સારવાર કરવામાં આવે.

પ્રદર્શન સ્થળ પરથી બેનર-પોસ્ટરો હટાવી દેવાયા
દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી. પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દેવાનો પ્રયાસ કર્યો. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

પોલીસ પર માર મારવાનો આરોપ
આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા. તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.