PoKનો છોડ્યો મોકો, મોદીનો દેશ સાથે ધોકો’: આપ પાર્ટી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય અથડામણ પછી બંને દેશોએ સીઝફાયર માટે સંમતિ જાહેર કરી હતી. જોકે સીઝફાયરની જાહેરાત બાદ મોદી સરકાર વિપક્ષને નિશાને આવી ગઈ છે. વિપક્ષ સતત સીઝફાયરને મુદ્દે ભાજપ સરકારની ટીકા કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મામલે આકરા સવાલો કર્યાછે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હીના ઓખલા વિસ્તારમાં મોદી ફ્લોર મિલ્સ પાસેના ફૂટઓવર બ્રિજ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.  તેમની પાસેના એક બેનર પર લખેલું હતું: “PoKનો છોડ્યો મોકો, મોદીનો દેશ સાથે ધોકો.”

સીઝફાયરની જાહેરાત અમેરિકા કરતાં ભારતની અખંડિતતા પર હુમલો છે: આપ

રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. આ ભારતની અખંડિતતા પર આકરો પ્રહાર છે. ભારતીય સેના પાસે PoK પર કબજો જમાવવાનો અને બલૂચિસ્તાનને અલગ કરવાની મોટી તક મળી હતી.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં 78 વર્ષથી પાકિસ્તાનના મામલે ભારતે ક્યારેય તૃતીય પક્ષની મધ્યસ્થતા સ્વીકારી નથી, તો આજે અમેરિકા કઈ રીતે આવી ગયું? ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આપણા સ્વાભિમાન, અખંડિતતા અને સન્માન સાથે છેડછાડ કરવા કોઈને મંજૂરી આપી શકાય નહીં, એમ તેમણે કહ્યું હતું.