નવી દિલ્હી: મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીનગરના દાલ તળાવના કિનારે કરવાના છે. PM તરીકેના ત્રીજા કાર્યકાળની શરૂઆત બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. જો કે, PM મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પણ સૂત્રોનું માનીએ તો PM મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે. શ્રીનગરના દાલ તળાવના કિનારે યોગ દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાથી માંડીને કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો. ત્યાર બાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હુમલા બાદ PM નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી.PM મોદી નરેન્દ્ર મોદીની શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી એક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. કાશ્મીરમાં કાર્યક્રમનો ભાગ બનીને તે સંદેશ આપશે કે સુરક્ષા વ્યવસ્થા અહીં મજબૂત છે અને આતંકવાદી હુમલાની કોઈ ખાસ અસર નથી. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ કાશ્મીરને બદલે જમ્મુ સાથેના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ ટ્રેન્ડ પર સંસદીય બાબતોના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે, આ આતંકવાદીઓનો ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી.