ટેરિફ ડીલ મુદ્દે PM મોદી ટ્રમ્પ આગળ ઝૂકી જશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ સંબંધિત ચર્ચા મુદ્દે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ X પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનાં નિવેદનોનો હવાલો આપતાં વડા પ્રધાન મોદીને નિશાન પર લીધા હતા. તેમનો દાવો છે કે PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પની શરતો માનીને આગળ ઝૂકી જશે. ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ટેરિફ સંબંધી વાટાઘાટોની સમયમર્યાદા નવ જુલાઈએ પૂરી થાય છે.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી વેપાર કરારના વિવાદ વચ્ચે સમયમર્યાદા સામે ઝૂકી જશે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કહ્યું છે કે ભારત માત્ર ત્યારે જ વેપાર કરાર કરશે જ્યારે તેનાં હિતોની સુરક્ષા થાય.

ગાંધીએ કહ્યું હતું કે પીયૂષ ગોયલ ભલે પોતાની છાતી પીટે, પણ મારા શબ્દો યાદ રાખો– મોદી ટ્રમ્પની ટેરિફ સમયમર્યાદા સામે ઝૂકી જશે.

ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફનો સૌથી વધુ દુરુપયોગ કરનાર દેશ કહ્યો હતો અને ભારતને “ટેરિફ કિંગ” તરીકે સંબોધિત કર્યું હતું. 2 એપ્રિલે “મુક્તિ દિવસ”ની ઉજવણી દરમિયાન તેમણે પરસ્પર ટેરિફ અંતર્ગત ભારતીય ઉત્પાદનો પર 26 ટકા શૂલ્ક લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, પછી અમેરિકાએ આ ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરી દીધો, જેથી અન્ય દેશો સાથે સમજૂતીની તકો બની શકે.

ભારતે મકાઈ અને સોયાબીન જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનોની આયાત પર ટેરિફ ઘટાડવાને મુદ્દે સખત વલણ દાખવ્યું છે. તદુપરાંત, ભારતમાં આશરે આઠ કરોડ લોકોને રોજગાર આપતી ડેરી ઉદ્યોગમાં પ્રવેશ આપવાની ટ્રમ્પ વહીવટી તંત્રની માગ પણ વિવાદાસ્પદ મુદ્દો બની છે.