વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે શહેરના નાગરિકો દ્વારા યોજાયેલા “સેવા-સ્વચ્છતાથી સ્વાગત” અભિયાનની તેમણે વિશેષ સરાહના કરી હતી.
સંબોધનમાં વડાપ્રધાને ૨,૮૦૦ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઐતિહાસિક પૂર્ણતાની જાહેરાત કરતા તેને ઝડપથી વિકસતા ભારતની નવી “જીવનરેખા” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ કોરિડોરના કારણે માલસામાનની હેરફેરમાં લાગતો સમય ૩૦ કલાકથી ઘટીને માત્ર ૧૦-૧૨ કલાક થઈ ગયો છે. JNPT પોર્ટથી વડોદરા સુધી સફળતાપૂર્વક ચલાવવામાં આવેલી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેટ ટ્રેન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે તેનાથી વેપાર અને ખેડૂતોને પોતાના ઉત્પાદનો ઝડપથી બજાર સુધી પહોંચાડવામાં મોટો ફાયદો થશે.
દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, “ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ભારત હવે એક નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યું છે.” તેમણે વડોદરાના ૧૫૦ વર્ષ જૂના ઔદ્યોગિક વારસા અને C-295 સૈન્ય વિમાનના સ્થાનિક ઉત્પાદનમાં વડોદરાના યોગદાનને બિરદાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે યુવાનો માટે મફત સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ, સ્કિલ ડેવલપમેન્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે રાષ્ટ્રીય અભિયાન લાવવાની પણ જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડબલ એન્જિન સરકારના વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થાય છે. જ્યારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતની પ્રથમ મેડ-ઈન-ઈન્ડિયા બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




