ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની આગામી હોમ સીરીઝ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ઉંમરમાં ગડબડી (Age Fraud) કરવાના આરોપમાં બંગાળના લેગ સ્પિનર રોહિત યાદવને ભારતીય અંડર-19 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના પર બે વર્ષ માટે કોઈ પણ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

દસ્તાવેજોમાં જોવા મળી હતી મોટી ગડબડ
રોહિત યાદવના જન્મ પ્રમાણપત્ર અને ઓળખપત્રના રેકોર્ડમાં 2007, 2009 અને 2010 જેવી ત્રણ અલગ-અલગ જન્મતારીખો સામે આવી હતી. અગાઉ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા પણ આ જ કારણોસર તેને જૂનિયર ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો અને તેની જાણકારી બોર્ડને આપવામાં આવી હતી. તથ્યોની પુષ્ટિ થયા બાદ BCCI એ શિસ્તભંગના પગલાં રૂપે બે વર્ષનો સસ્પેન્શન ઓર્ડર જારી કરીને તમામ રાજ્ય એસોસિએશનોને જાણ કરી દીધી છે.
સૌરાષ્ટ્રના આર્યન સવસાણીને વનડે ટીમમાં તક
જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ માટે 6 વિકેટ ઝડપીને સારું પ્રદર્શન કરનાર રોહિત યાદવને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ બેન બાદ જૂનિયર ક્રિકેટ સિલેક્શન કમિટીએ તેના સ્થાને વનડે ટીમમાં સૌરાષ્ટ્રના ખેલાડી આર્યન સવસાણીનો સમાવેશ કર્યો છે. જ્યારે મલ્ટી-ડે સ્ક્વોડમાં હરિયાણાના તન્માય બલોડાને સ્થાન આપવામાં આવ્યું છે.
અંડર-19 ટીમની સુધારેલી સ્ક્વોડ:
વનડે સ્ક્વોડ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઈસ કેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, શવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટ, કાવ્યા પટેલ, આર્યન સવસાણી.
મલ્ટી-ડે સ્ક્વોડ: યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઈસ કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા (વિકેટકીપર), અભિપ્રાય વિશ્વાસ (વિકેટકીપર), ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા, આર્યન યાદવ, તન્માય બલોડા.




