અમદાવાદ : હિંદુ ધર્મમાં શ્રાવણમાસ ભગવાન શિવને અતિપ્રિય માનવામાં આવે છે. આ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગની સાથે અનેક શિવ મંદિરોમાં વિશિષ્ટ જળાભિષેક સાથે વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવ મંદિરોને શણગારવાની સાથે અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોને શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને શહેરની શેરીઓમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
શહેરમાં જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાં શિવભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના ઘોડાસર મણીનગર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ પાસે શિવજીની વેશભુષા, રુદ્રાક્ષનું શિવલિંગ અને બરફના મહાદેવ તૈયાર કરવામાં આવ્યા હતા. સતત ત્રીસ વર્ષથી મંગલેશ્વર મહાદેવ ઘોડાસર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આખોય વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

શ્રાવણ પૂર્ણ થાય એ પહેલાં શહેરની શાળાઓમાં પણ ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી. જેમાં કૃષ્ણ જન્મ, શિવજી સહિત અનેક દેવી દેવતાઓની વેશભુષા સાથે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના આર.સી.ટેકનિકલ રોડ પર આવેલી અક્ષર વિદ્યાલયમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વેશભુષા સાથે ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.




