ગાંધીનગર: ખેડૂતોની આર્થિક સમૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) અંતર્ગત શનિવારે એક મોટું પગલું ભરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી દેશવ્યાપી કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો ઓનલાઈન રિલીઝ કરશે. આ અવસરે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના કરોડો ખેડૂતો સાથે સંવાદ સાધશે અને વિશેષ સંબોધન આપશે.
ગુજરાતમાં યોજાશે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ”
આ રાષ્ટ્રીય મહોત્સવના ભાગરૂપે ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” યોજાશે. આ વિશેષ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
દેશના ૯.૪૪ કરોડ પરિવારોને રૂ. ૧૮,૮૮૦ કરોડથી વધુની સહાય
૨૩મા હપ્તા અંતર્ગત વડાપ્રધાનના હસ્તે સમગ્ર દેશના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં કુલ રૂ. ૧૮,૮૮૦ કરોડથી વધુની સહાય સીધી જ વિતરિત કરવામાં આવશે. જેમાંથી ગુજરાતના આશરે ૫૧.૨૮ લાખ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૨૫ કરોડથી વધુની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
અત્યાર સુધીની ઐતિહાસિક આર્થિક મદદ
પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીના ૨૨ હપ્તામાં દેશ અને રાજ્યના ખેડૂતોને અભૂતપૂર્વ આર્થિક ટેકો મળ્યો છે:
-
દેશની સ્થિતિ: સમગ્ર દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૪.૨૮ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
-
ગુજરાતની સ્થિતિ: ગુજરાતના ૬૯ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને અત્યાર સુધીના હપ્તાઓ દ્વારા કુલ રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુનો સીધો આર્થિક લાભ મળી ચૂક્યો છે.
ગ્રામ્ય સ્તર સુધી થશે કાર્યક્રમનું જીવંત પ્રસારણ
આ ઉત્સવ માત્ર ગાંધીનગર પૂરતો મર્યાદિત ન રહેતા, સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી વ્યાપક સ્તરે ઉજવાશે. વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) દર્શાવવા માટે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), વિવિધ માર્કેટ યાર્ડ (APMC), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ખાતે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો એકઠા થઈને આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનશે.






