PM મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં કહ્યું, ‘ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે’

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ટૂંક સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100 થી વધુ યુનિકોર્ન છે.

પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “જ્યારે 2009માં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે વિશ્વ મોટા આર્થિક સંકટમાંથી બહાર આવી રહ્યું હતું. આ દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું હતું. તેમણે કહ્યું, “કોવિડ રોગચાળા, તણાવ અને વિવાદો વચ્ચે વિશ્વ આર્થિક પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે બ્રિક્સ દેશોની મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ બાદ પણ ભારત આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દેશ બનીશું.