G-7 શિખર સંમેલનથી PM મોદીએ પાકિસ્તાનને ફટકાર લગાવી

નવી દિલ્હીઃ G-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો દૃઢ સંકલ્પ રજૂ કર્યો અને પાકિસ્તાનને ફટકાર લગાવી છે.  તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીમાં ઝડપ લાવવા અને તેને પ્રોત્સાહન અને સમર્થન આપનારા દેશો વિરુદ્ધ કડક પગલાં લેવાની પર ભાર મૂક્યો હતો.

કેનેડામાં G-7ના સેશનમાં સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપનારા દેશોને જવાબદાર ઠેરવવામાં આવવા જોઈએ.વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે અમારી નીતિ અને દૃષ્ટિકોણ સ્પષ્ટ હોવા જોઈએ – જો કોઈ દેશ આતંકવાદને સમર્થન આપે છે, તો તેને તેની કિમત ચૂકવવી પડશે. એક બાજુ આપણે આપણાં હિતોને ધ્યાનમાં રાખીને તત્કાળ પ્રતિબંધો લગાવીએ છીએ, તો બીજી બાજુ જે દેશ ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેમને પુરસ્કાર મળે છે, એમ તેમણે કહ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વડા પ્રધાને આતંકવાદ વિરુદ્ધ ભારતના અભિગમની પુષ્ટિ કરી હતી અને પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહી માટે આગ્રહ કર્યો અને આતંકને પ્રોત્સાહન આપનારા સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વડા પ્રધાને પોતાના ભાષણ દરમિયાન વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓ અને તેના પ્રમુખ હિતોને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત વૈશ્વિક દક્ષિણની અવાજને વિશ્વ મંચ પર લાવવાની જવાબદારી નિભાવે છે.

આ પહેલાં PM મોદીને G-7 સેશનમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ સંમેલન પહેલાં પણ મોદીએ જણાવ્યું હતું કે તેઓ શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓ સાથે મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને વૈશ્વિક દક્ષિણની અગ્રતા ઉપર ભાર મૂકશે.