રશિયાથી ઓઇલ ન ખરીદવાને મુદ્દે ટ્રમ્પથી ડરે છે PM મોદીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરે છે. તેમનું નિવેદન ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એ દાવા પછી આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરશે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી વારંવાર થયેલી અવગણના છતાં ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.

રાહુલ ગાંધીએ X પર લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી ડરે છે. તેમણે સોશિયલ મિડિયા મોદીની વિદેશ નીતિ પર પાંચ મુદ્દામાં હુમલો કર્યો હતો.

  1. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને એ નક્કી કરવાનો અને જાહેર કરવાનો અધિકાર આપ્યો કે ભારત રશિયન તેલ નહીં ખરીદે.
  2. વારંવારની અવગણના છતાં મોદી ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.
  3. ભારતે નાણાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો.
  4. વડા પ્રધાન મોદીએ શર્મ અલ-શેખમાં યોજાનારી પરિષદમાં ભાગ લીધો નહોતો.
  5. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ટ્રમ્પના દાવાનું ખંડન કર્યું નથી.

એ  પહેલાં કોંગ્રેસ પાર્ટીએ પણ વડા પ્રધાન મોદી પર દેશના ગૌરવ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયાને ભારતનો નજીકનો સહયોગી ગણાવ્યો હતો. કોંગ્રેસે ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર દેશના ગૌરવ સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પ મુજબ તેમના ગુસ્સા અને ધમકીઓ સામે નમીને મોદીએ આશ્વાસન આપ્યું કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. એક વાત સ્પષ્ટ છે — નરેન્દ્ર મોદી નબળા વડા પ્રધાન છે અને તેમની કામગીરીએ દેશની વિદેશ નીતિને અસ્તવ્યસ્ત કરી છે.