100 દિવસમાં 100 એજન્ડા પૂરા કરવા દિવસ-રાત કામ કર્યું: PM

અમદાવાદ:ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. જેમાં તેમણે 8,000 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું. સભા સ્થળે પહોંચેલા PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલ પણ જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વડાપ્રધાને GMDC ગ્રાઉન્ડ ખાતે સિંગલ વિંડો આઇ.એફ.સી.એ. સિસ્ટમ લોન્ચ કરી હતી.  ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના દેશમાં કાર્યરત છે. લોકોને પોતિકા ઘર મળ્યા છે. વધુ 3 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક વડાપ્રધાને રાખ્યો છે. ગુજરાત આવાસ યોજનામાં અગ્રેસર રાજ્ય છે. એનર્જી સિક્યોર સ્ટેટ હોવાની સાથે સાથે સોલાર પાવર ક્ષેત્રે આગળ છે. ગુજરાતના શહેરો સ્માર્ટ અને ક્લિન બનાવવા માટેની દિશા મળી છે. પાયાની સગવડોની સાથેસાથે મોર્ડન સેવાઓ આપણે વિકસાવી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ગિફ્ટ આપી છે. દેશમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. કચ્છના આર્થિક અને પ્રવાસનને વેગ અપાશે. વર્ષાઋતુ રાજ્યમાંથી વિદાય લઈ રહી છે પણ વિકાસ ઋતુ અટકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલની કનેક્ટિવિટી મળશે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ દોડાવવામાં આવશે, જ્યારે 125થી વધુ ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન પિરિયડ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એક-એકથી ચઢિયાતી યુનિવર્સિટીઓ છે, આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કેમ્પસ શરૂ કરી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો માટે દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. વધુમાં તેમણે કહ્યું, “ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે.

ત્રીજીવાર વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે.”

“રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે તમે લોકોએ જ મને દિલ્હી મોકલ્યો છે. મેં લોકસભાની ચૂંટણી દરમિયાન દેશવાસીઓને એક ગેરન્ટી આપી હતી. મેં કહ્યું હતું કે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે.

ગત 100 દિવસમાં ઘણાં લોકો મોદીની મજાક ઉડાવવા લાગ્યા. ભાત-ભાતના તર્ક-વિતર્ક આપતા હતા. લોકો વિચારતા હતા મોદી કેમ ચૂપ છે? જેમને જે મજાક ઉડાવવી હોય તેને ઉડાવવા દો. મેં નક્કી કર્યું હતું કે હું એકપણ જવાબ નહી આપું. મારે દેશને કલ્યાણના માર્ગ પર લઈ જવાનો છે તેને છોડીશ નહી. ચૂંટણી દરમિયાન મેં 3 હજાર કરોડ ઘર બનાવવાની ગેરેન્ટી આપી હતી. પરિણામે ગુજરાતના હજારો પરિવારોને ઘર મળ્યા છે.”

PM  મોદીએ વધુમાં કહ્યું, “સત્તા માટે લાલચી લોકો ભારતના ટૂકડે ટૂકડા કરવા માગે છે, આ લોકો જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 પાછો લાવવાનું કહે છે. ભારતને બદનામ કરવાનો કોઈ મોકો છોડતા નથી. ગુજરાતને પણ બદનામ કરવાનું કામ કરે છે એટલે ગુજરાતે સતર્ક રહેવાનું છે.”