લાલ કિલ્લા પરથી PM મોદીએ કર્યું મિશન ‘સુદર્શન ચક્ર’નું એલાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રને સંબોધતાં ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાને નિશાન બનાવનારાં સશસ્ત્ર દળોની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના આક્રોશનું પ્રતીક છે.

મને ખૂબ ગર્વ છે કે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના નાયકોને નમન કરવાની તક મળી. આપણા બહાદુર જવાનોએ દુશ્મનને એની કલ્પનાથી પણ વધારે સજા આપી.

તેમણે જણાવ્યું હતું કે 22 એપ્રિલે સરહદ પારથી આતંકવાદીઓ પહલગામ આવ્યા અને લોકોનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી દીધી. ભારત આક્રોશિત હતું અને આખી દુનિયા આ નરસંહારથી સ્તબ્ધ હતી. ઓપરેશન સિંદૂર એ જ આક્રોશની અભિવ્યક્તિ છે. પહલગામ હુમલા પછી સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ છૂટ આપી હતી.

તેમણે કહ્યું હતું કે સિંઘુ જળ સંધિ ભારત માટે અન્યાયપૂર્ણ અને એકતરફી છે. તેમણે જણાવ્યું કે સિંઘુ નદીના જળ પર માત્ર ભારત અને તેના ખેડૂતોનો અધિકાર છે. ભારતની નદીઓ દુશ્મન દેશને સિંચાઈ પૂરી પાડી રહી હતી જ્યારે અમારા ખેડૂત પાણીથી વંચિત હતા. હવે ભારતના હિસ્સાના પાણી પર માત્ર ભારતનો જ અધિકાર હશે.

તેમણે કહ્યું હતું કે આજે 140 કરોડ દેશવાસીઓનો એક જ મંત્ર હોવો જોઈએ – સમૃદ્ધ ભારત. સ્વદેશીનો ઉપયોગ મજબૂરીમાં નહીં, પણ શક્તિ માટે કરવો જોઈએ.

તેમણે  કહ્યું હતું કે આ દિવાળી નેક્સ્ટ જનરેશન GST સુધાર’ આવશે અને સામાન્ય માણસની જરૂરિયાતના ટેક્સ ઘણા ઓછા કરવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણથી પ્રેરણા લઇને ‘સુદર્શન ચક્ર મિશન’ શરૂ થશે. 2035 સુધી તમામ મહત્વના સ્થળોને ટેક્નોલોજીકલ સુરક્ષા કવચ આપવામાં આવશે. ઘુસણખોરોને લઈને કડક ચેતવણી આપતાં ‘હાઇ પાવર ડેમોગ્રાફી મિશન’ની જાહેરાત કરવામાં આવી. અંતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એકતાથી સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પિત થવાનું આહવાન કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દાયકામાં ભારત વિકાસ અને સુરક્ષામાં સોનાનો યુગ જોશે.