હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી

વડોદરા શહેરમાં હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે પગલાં લેવા તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પાર્ટી બનાવવા માંગ કરવામાં આવી છે. આ અરજી મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરિવારો વતી કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે

આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યારે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.

પીડિતોને વધુ વળતર ચૂકવવામાં આવે

અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.