અયોધ્યા જનારા રામરથ સાથે વિશાળ શ્રીરામ સ્વાગત શોભાયાત્રા યોજાઈ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં લોકોમાં સ્વયંભુ જબરજસ્ત જુવાળ જાગ્યો છે. સૌથી મહત્ત્વની વાતે છે કે ગામે ગામની નાની મોટી શાળાઓ, શૈક્ષણિક સંકુલોમાં રામ રથયાત્રા, શોભાયાત્રા, વેશભુષા, રામાયણના પ્રસંગોની ઝાંખી બાળકો તૈયાર કરી રહ્યા છે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા જ્ઞાનદા ગર્લ્સ શિક્ષણ સંકુલ દ્વારા 20મી જાન્યુઆરી, શનિવારની સવારે ” શ્રી રામ સ્વાગત શોભાયાત્રા” નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જ્ઞાનદા ગર્લ્સ શિક્ષણ સંકુલના આચાર્ય જાગૃતિબહેન પટેલ ચિત્રલેખા.કોમને કહે છે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલી અમારી શાળાની શોભાયાત્રા વિશિષ્ટ છે. આ શોભાયાત્રામાં જે રામરથ અયોધ્યા જવાનો છે એ પણ સામેલ હતો..બાપુનગરથી આવેલા આ રથ આગળ વિશાળ હનુમાનજીની મુર્તિ ઉભી કરેલી છે.

આ સાથે અમારી શાળાના 2500 બાળકોએ રામાયણની જુદા જુદા ભાગ, પ્રસંગો એ વખતના ડ્રેસ સાથે રજુ કર્યા હતા..આ શાળામાં અભ્યાસ કરતા 4 થી 12 ધોરણના બાળકો સાથે 100 શિક્ષકો શોભાયાત્રામાં જોડાયા હતા.

એક કિલોમીટર લાંબી શોભાયાત્રામાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, જતીન પટેલ, શશીકાંત પટેલ( વીએચપી), સાધુ સંતો, વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રીરામ સ્વાગત શોભાયાત્રામાં વિશાળ રથ, બાળકોની વેશભુષા અને વિવિધ આકારના ભગવા ઝંડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)