પેલેસ્ટાઈન ઈઝરાયેલ સંઘર્ષ : ભારતીય નાગરિકોને લઈને એડવાઈઝરી જાહેર

ઇઝરાયેલમાં હમાસ દ્વારા આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કડક વલણ અપનાવ્યું છે. પીએમે કહ્યું કે આતંકવાદી સંગઠન હમાસને આ વાતનો ખ્યાલ નથી કે તેને આ હિંમતની કેટલી કિંમત ચૂકવવી પડશે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલમાં હુમલા બાદ 22 લોકોના મોત થયા છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ સાવધાન રહેવાની જરૂર છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને કોઈપણ મહત્વપૂર્ણ કારણ વગર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિંસાવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. સ્થાનિક અધિકારીઓની માર્ગદર્શિકા પર ધ્યાન આપવાની ખાતરી કરો.

 


ઇઝરાયેલી અધિકારીઓના સુરક્ષા પ્રોટોકોલને અનુસરો

નાગરિકોને જાગ્રત રહેવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરતા, ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે.

 

બંકરોમાં છુપાવવા અને વેબસાઇટને અનુસરવાનું સૂચન

આશ્રયસ્થાનો અને બંકરોમાં આશ્રય લેવાનું સૂચન કરતાં દૂતાવાસે કહ્યું કે બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહો. વધારાની માહિતી માટે ઇઝરાયેલી હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઇટ – https://www.oref.org.il/en ને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.

 

કટોકટીની સ્થિતિમાં લોકો કોનો સંપર્ક કરી શકે છે?

કટોકટીના કિસ્સામાં, એમ્બેસીનો હેલ્પલાઇન નંબર- +97235226748 અથવા ઇમેઇલ id- cons1.telaviv@mea.gov.in પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે દૂતાવાસનો સ્ટાફ કોઈપણ મદદ અને માર્ગદર્શન માટે દરેક સમયે ઉપલબ્ધ રહેશે.

વડાપ્રધાન નેતન્યાહુ ઈઝરાયેલ પર હુમલાને લઈને ગુસ્સે છે

ઉલ્લેખનીય છે કે શનિવારે ઈઝરાયેલના ગાઝા પટ્ટીથી અંધાધૂંધ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને કહ્યું છે કે હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં યુદ્ધ છે. રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું છે કે ઈઝરાયેલ કોઈપણ સંજોગોમાં હમાસ સાથે યુદ્ધ જીતશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહી છે.