રાજ્યમાં 27 ઓક્ટોબરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ ડ્રાફ્ટ મતદાર યાદીની જાહેરાત 27 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય અમદાવાદમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 27 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર 2023 સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલશે. આ કાર્યક્રમ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારણા કે કમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે, રાજ્ય સરકારે બૂથ સ્તરના અધિકારીઓને ચૂંટણી પંચના VoterHelplineApp અને VSP જેવા ઓનલાઈન પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.

આ બેઠકમાં પી.ભારતીએ ચૂંટણી તંત્ર સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂક કરવા રાજકીય પક્ષોને જણાવ્યું હતું. આ ઉપરાંત ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તારીખ 4  થી 5 ઓક્ટોબર અને 2 થી 3 ડિસેમ્બર, 2023 એમ ચાર દિવસ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નક્કી કરાયા છે. આ દિવસો દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10 વાગ્યાથી સાંજે 05 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહીને આ તમામ કામગીરી હાથ ધરશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે. સાથે જ મતદારયાદીમાં સુધારો-વધારો, નામ કમી કરવા માટેના ફોર્મ પણ બૂથ પર જ BLOને રૂબરૂ આપી શકાશે. આ તમામ કાર્યવાહી બાદ 26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરાશે. ત્યારબાદ 5 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ ઉપરાંત, રાજ્ય સરકારે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નાગરિકોને સહકારની અપીલ કરી છે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન પારદર્શિતા જળવાય તે માટે કેટલાક પગલાં ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા સ્તરે પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી આ કાર્યક્રમની જાણકારી અપાશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા અંગેની અરજીઓની યાદી પણ અઠવાડિક ધોરણે માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. આ સાથે જ ડ્રાફટ કરાયેલી મતદાર યાદી તથા આખરી મતદાર યાદીની એક સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર મૂકવા ઉપરાંત રાજકીય પક્ષોને પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.