પાકિસ્તાન માફી માગે અને 4.3 અબજ $ ચૂકવેઃ બાંગ્લાદેશ

ઢાકાઃ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 15 વર્ષ પછી સૌપ્રથમ વાર વિદેશ સચિવ સ્તરની વાતચીત થઈ હતી. એ સમય દરમિયાન બાંગ્લાદેશે ઘણા વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા. બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને 1971ના અત્યાચાર માટે પાકિસ્તાન પાસેથી ઔપચારિક માફી માગવાની માગ કરી હતી. આ સિવાય બાંગ્લાદેશે કહ્યું હતું કે પાકિસ્તાને 1971ની સંયુક્ત સંપત્તિમાંથી બાંગ્લાદેશને તેનો હિસ્સો 4.3 બિલિયન ડોલર (રૂ.36 હજાર કરોડ અથવા રૂ. 52,000 કરોડ) ચૂકવવા જોઈએ, જ્યારે બંને દેશો એક હતા. આ સાથે તેણે 1970માં આવેલા ચક્રવાત દરમિયાન બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ને મદદ કરવા બદલ મળેલા 200 મિલિયન ડોલર (લગભગ 2400 કરોડ રૂપિયા) પણ ચૂકવવા જોઈએ.

આ ઉપરાંત બાંગ્લાદેશે ઢાકા કેમ્પમાં રહેતા ત્રણ લાખથી વધુ ફસાયેલા પાકિસ્તાનીઓને પરત લાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બાંગ્લાદેશમાં તેમને ‘બિહારી’ કહેવામાં આવે છે. તેઓ મૂળ ઉર્દૂભાષી મુસ્લિમ સ્થળાંતર કરનારા છે, જેઓ 1947માં ભારતના ભાગલા પછી બિહાર અને ઉત્તર પ્રદેશથી પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં સ્થાયી થયા હતા.

1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ લોકોએ પશ્ચિમ પાકિસ્તાન પ્રત્યે વફાદારી દર્શાવી, જેના કારણે તેમને બાંગ્લાદેશમાં ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ‘પાકિસ્તાન સમર્થક’ માનવામાં આવતા હતા અને તેમની સામે બદલો લેવામાં આવતો હતો. તેમની મિલકતો જપ્ત કરવામાં આવી અને તેમણે હિંસા, બળાત્કાર અને હત્યાનો સામનો કરવો પડ્યો હતો.