પહેલગામ હુમલાને લીધે રૂ. 12,000 કરોડના પ્રવાસન વેપાર પર સંકટ

શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકવાદનો ભૂંડો ચહેરો ફરીથી સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ માત્ર ગોળીબાર જ નથી કર્યો, પરંતુ કાશ્મીરના અર્થતંત્ર અને 2.5 લાખ કાશ્મીરીઓના પેટ પર સીધો હુમલો કર્યો છે. આ હુમલાને પગલે હવે માત્ર કાશ્મીરની આર્થિક પ્રગતિ પર બ્રેક લાગશે, પરંતુ લાખો કાશ્મીરીઓની રોજગારી પણ જોખમમાં પડશે.

પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો માત્ર જાનમાલનું જ નુકસાન નથી, પરંતુ કાશ્મીરના આત્મા કહેવાતી “કાશ્મીરિયત” પર પણ સીધો હુમલો છે. આ ઘટનાને લીધે પ્રવાસન ઉદ્યોગને પણ ભારે સંકટમાં મૂકે છે. દરેક ગોળીએ કાશ્મીરના અર્થતંત્રને ઘણાં વર્ષો પાછળ ધકેલી દીધું છે..

જમ્મુ કાશ્મીરમાં હુમલા પછી જેમણે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી, તેમણે ધડાધડ ટિકિટ કેન્સલ કરાવવી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, કાશ્મીરના ઘણી મોટી હોટલ અને ટેક્સી બુકિંગ પણ રદ થવા લાગ્યાં છે.

કાશ્મીરનું વાર્ષિક પ્રવાસન ઉદ્યોગ લગભગ રૂ. 12,000 કરોડનું છે. અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં આ ઉદ્યોગ રૂ. 25,000 કરોડથી રૂ. 30,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા હતી. રાજ્યના કુલ GDPમાં પ્રવાસનની 7-8 ટકા હિસ્સેદારી છે.આ હુમલાએ નિર્દોષ લોકોની હત્યા સાથે પ્રવાસન ઉદ્યોગ માટે પણ કબર ખોદી છે. પહેલગામને ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે, જ્યાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ હુમલો એ સમયે થયો છે જ્યારે ઉનાળાની તાપથી ત્રસ્ત લોકો કાશ્મીર જવાનું શરૂ કરે છે. એથી આ આખો પ્રવાસન સીઝન હવે બરબાદ થવાનો ખતરો છે.

શ્રીનગરના દાલ લેકમાં ચાલે છે 1500થી વધુ હાઉસબોટ કાશ્મીરમાં માત્ર પ્રવાસન ક્ષેત્રમાંથી 2.5 લાખથી વધુ લોકોને રોજગારી મળી છે અને તેમના પરિવારનું ગુજરાન ચાલે છે, પણ આ હુમલા પછી આ તમામ લોકોના નોકરી અને આવક પર સંકટ ઊભું થઈ શકે છે.

વર્ષ 2020માં 34 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, 2021માં આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ, 2022માં 1.88 કરોડ, 2023માં 2.11 કરોડ અને 2024માં 2.36 કરોડ પ્રવાસીઓ કાશ્મીરમાં આવ્યા હતા. 2024માં આવેલા પ્રવાસીઓમાં 65,000થી વધુ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થતો હતો.