નવી દિલ્હીઃચૂંટણી પંચે ECINet પોર્ટલ અને એપ પર નવું ‘ઈ-સાઇન’ ફીચર શરૂ કર્યું છે. હવે મતદાર તરીકે નોંધણી કરાવવા કે નામ કાઢવા કે સુધારા માટે અરજી કરતા લોકોને આધાર કાર્ડ સાથે જોડાયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને ઓળખની પુષ્ટિ (વેરિફિકેશન) કરાવવી પડશે. આ પગલું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ મતવિસ્તારમાં 2023ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણીમાં છેતરપિંડીના આક્ષેપ બાદ એક અઠવાડિયામાં જ આવ્યું છે.
ECINet પોર્ટલ પર નવું ફીચર
આ અગાઉ અરજદાર ફોન નંબર EPIC નંબર સાથે જોડીને અરજી ફોર્મ સબમિટ કરી શકતા, પણ તેની સત્યતા ચકાસાતી નહોતી. હવે ઈ-સાઇન ફીચર ફરજિયાત બન્યું છે. મંગળવારથી પોર્ટલ પર ફોર્મ સબમિટ કરતી વખતે આ વિકલ્પ જોવા મળ્યો હતો.
ફોર્મ-6 (નવા મતદાર તરીકે નોંધણી માટે), ફોર્મ-7 (નામ ઉમેરવા/કાઢવા પર આક્ષેપ માટે) અને ફોર્મ-8 (સુધારા માટે) ભરનારાઓને હવે ઈ-સાઇન પૂર્ણ કરવું પડશે. એટલે કે મતદાર ઓળખકાર્ડમાં આપેલું નામ અને આધાર કાર્ડમાં આપેલું નામ સરખું હોવું જોઈએ અને ઉપયોગમાં લેવાતો મોબાઈલ નંબર પણ આધાર સાથે જોડાયેલો હોવો જોઈએ.
ફોર્મ-7 (નામ કાઢવા કે આક્ષેપ કરવા માટે)માં અગાઉ જે વિગતો ભરવી પડતી હતી તેમાં કોઈ ફેરફાર નથી. તેમાં જેનું નામ કાઢવાનું છે અથવા જેના પર આક્ષેપ છે તેની સંપૂર્ણ વિગતો આપવી જ પડશે (કારણ: મૃત્યુ, સ્થળાંતર, ભારતીય નાગરિક ન હોવું કે 18 વર્ષથી ઓછી ઉંમર).
કેવી રીતે થશે પ્રક્રિયા?
ફોર્મ સબમિટ કર્યા બાદ અરજદારને CDAC (સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ઈ-સાઇન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. અહીં અરજદારને પોતાનો આધાર નંબર દાખલ કરવો પડે છે અને પછી એક આધાર OTP તેના મોબાઈલ પર આવે છે.
એ પછી અરજદારને આધાર આધારિત ઓથેન્ટિકેશન માટે સંમતિ આપવી પડે છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ અરજદાર ફરીથી ECINet પોર્ટલ પર જઈને ફોર્મ સબમિટ કરી શકે છે. ઈ-સાઇન શરૂ થયા પછી આલંદ જેવી ઘટના થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે.
