મતદાર યાદી સુધારવાની પ્રક્રિયામાં કંઈ ખોટું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી સુધારણાને મામલે સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી થઈ હતી, જેમાં ચૂંટણી પંચ અને તેની કામગીરી સામે ફરિયાદ કરનારાઓ તરફથી અનેક દલીલો આપવામાં આવી. આ મુદ્દાને લઈને બિહારમાં ચૂંટણીનો માહોલ ખૂબ જ ગરમ છે.

જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. અરજદાતાઓએ દલીલ કરી છે કે ચૂંટણી પંચનો આ નિર્ણય એકતરફી છે અને સ્વતંત્ર તથા ન્યાયસંગત ચૂંટણીના સિદ્ધાંતને નુકસાન પહોંચાડે છે. દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ ટિપ્પણી કરી હતી કે મતદાર યાદીમાંથી ગેરનાગરિકોને હટાવવાનો અધિકાર ગૃહ મંત્રાલયનો છે, ચૂંટણી પંચનો નહીં.

કોર્ટમાં આ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ધુલિયાએ જણાવ્યું હતું કે જો 2003માં SIR (સ્પેશિયલ રિવિઝન) થઈ ચૂક્યું છે અને હવે ચૂંટણી પંચ પાસે ડેટા હાજર છે, તો આવી પરિસ્થિતિમાં ઘેરેઘેર જઈને માહિતી એકત્ર કરવાની જરૂર નહીં પડે.

ન્યાયમૂર્તિ ધુલિયાએ આગળ કહ્યું હતું કે ચૂંટણી પંચ જે કાર્ય કરી રહ્યો છે તે તેની બંધારણીય ફરજ છે. પ્રશ્ન એ છે કે શું મતદાતા યાદીની સમીક્ષા માટે કાયદામાં કોઈ સમયમર્યાદા નિર્ધારિત છે? ત્યાર બાદ વકીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે ચૂંટણી પંચની શક્તિઓને પડકારતા નથી, પરંતુ તેના કામ કરવાની રીત અને પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ. અમારી માગ છે કે આ કાર્ય પારદર્શક અને નિયમો અનુસાર થવું જોઈએ.

ન્યાયમૂર્તિ જયમાલ્યા બાગચીએ સ્પષ્ટ કર્યું કે સ્પેશિયલ રિવિઝનની જોગવાઈ “પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950” ની કલમ 21(3)માં છે. તેમણે જણાવ્યું હતું કે કલમ 21(3) હેઠળ વિશેષ સમીક્ષાને મંજૂરી છે અને કાયદામાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તે નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે છે.