નીતિશની PM બનવાની મહત્વાકાંક્ષાએ બિહારને ડૂબાડ્યું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે પશ્ચિમ ચંપારણમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે નીતીશ કુમાર વડાપ્રધાન બનવા માટે બદલાઈ ગયા. બીજેપી નેતા અમિત શાહે કહ્યું, નીતીશ બાબુ તમે વડાપ્રધાન બનવા માટે વિકાસવાદીમાંથી તકવાદી બન્યા, કોંગ્રેસ અને આરજેડીનો આશરો લીધો. નીતિશ બાબુની પીએમ બનવાની મહત્વાકાંક્ષાએ બિહારનું વિભાજન કર્યું અને તેમને ડુબાડી દીધા. તેમણે વધુમાં કહ્યું કે નીતિશ કુમાર દર 3 વર્ષે પીએમ બનવાનું સપનું જુએ છે, તમે બધા જાણો છો. જે કોંગ્રેસ સામે જયપ્રકાશ નારાયણ આજ સુધી લડ્યા હતા, જે જંગલરાજની સામે ભાજપ સાથે એનડીએની સરકાર બની હતી, તે જંગલરાજના પ્રણેતા લાલુ પ્રસાદના ખોળામાં બેસી ગયા છે.

ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા

બીજેપી નેતા શાહે કહ્યું કે નીતિશ કુમારે ઘણા વર્ષો સુધી ‘આયા રામ ગયા રામ’ કર્યું, હવે તેમના માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે આ વખતે એવો પાઠ ભણાવો કે બિહારમાં પક્ષપલટો કરનારાઓ ચૂપ થઈ જાય. આમાંથી છુટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે બે તૃતિયાંશ બહુમતી સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર બનાવો અને નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવો. તેમણે વધુમાં કહ્યું કે હું બિહારના લોકોને અપીલ કરવા આવ્યો છું કે જેડીયુ અને આરજેડીનું આ અપવિત્ર ગઠબંધન પાણી અને તેલ જેવું છે. જેડીયુ પાણી છે અને આરજેડી તેલ છે. તેમણે દાવો કર્યો કે આજે સમગ્ર બિહારમાં સ્થિતિ અસ્તવ્યસ્ત છે. ગુનાખોરી ફરી વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. હત્યા, અપહરણ, લૂંટ, બળાત્કારના કિસ્સાઓ દિવસેને દિવસે વધવા લાગ્યા છે.

તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું

અમિત શાહે કહ્યું કે નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું છે, પરંતુ તેઓ તારીખ નથી જણાવતા. તેમને જણાવવું જોઈએ કે તેઓ ક્યારે મુખ્યમંત્રી બનાવશે અને નીતિશ બિહારમાં ફરી જંગલરાજ લાવશે. તેમણે વધુમાં કહ્યું કે હું પીએમ મોદીના કામનો હિસાબ લઈને આવ્યો છું, જો તમારી (નીતીશ કુમાર)માં હિંમત હોય તો કોંગ્રેસ અને આરજેડીનો હિસાબ બિહારની જનતાની સામે રાખો.