અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ટોપ-30માંથી બહાર

એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં નંબર-2 રહેતા અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની પ્રોપર્ટી એક મહિનામાં એટલી બધી ઘટી ગઈ છે કે હવે તેઓ ટોપ-30માંથી બહાર થઈ ગયા છે. જ્યારથી હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો છે ત્યારથી તેમની સંપત્તિમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી 33માં નંબરે પહોંચી ગયા છે.

ગૌતમ અદાણીની સંપત્તિ 24 જાન્યુઆરી પહેલા 100 બિલિયન ડોલરથી વધુ હતી, પરંતુ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ બાદ આ સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના અબજોપતિઓની યાદી અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 80.6 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જોકે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં 30માં નંબર પર છે.

ગૌતમ અદાણી પાસે હવે કેટલી સંપત્તિ છે?

રેકોર્ડ ઘટાડા પછી ગૌતમ અદાણીની સંપત્તિ એટલી ઘટી ગઈ છે કે મુકેશ અંબાણીની કુલ સંપત્તિની તુલનામાં તેમની કુલ સંપત્તિ ઘટીને અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $35.3 બિલિયન થઈ ગઈ છે. શુક્રવારે જ તેમની કુલ સંપત્તિમાં $1.4 બિલિયનનો ઘટાડો થયો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો

બીજી તરફ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં શુક્રવારે 628 મિલિયન ડોલરનો વધારો થયો છે અને હવે તેમની કુલ નેટવર્થ $84.1 બિલિયન છે, જે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ કરતાં બમણી છે. અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 8મા સ્થાને છે.

માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડનો ઘટાડો થયો છે

હિંડનબર્ગના અહેવાલને 1 મહિનો પૂર્ણ થયો છે. આવી સ્થિતિમાં ભારે વેચવાલી બાદ અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના માર્કેટ કેપમાં 12.05 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ 10 કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 19.2 લાખ કરોડ હતું, જે શુક્રવારે 24 ફેબ્રુઆરીએ બજાર બંધ થયા પછી ઘટીને રૂ. 7.16 લાખ કરોડ થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]