મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ લોન્ચ

મુંબઈઃ મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025 દરમિયાન મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિફ્ટી વેવ્ઝ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો. નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સમાં મિડિયા, મનોરંજન અને ગેમિંગ ઉદ્યોગ સાથે જોડાયેલી 43 સૂચિબદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે.

ફિલ્મ, ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ્સ, સંગીત અને ગેમિંગ જેવી વિસ્તૃત ઇકોસિસ્ટમ સાથે ભારતનું મિડિયા અને મનોરંજન ક્ષેત્ર સતત પરિવર્તનશીલ થઈ રહ્યું છે, જ્યાં સર્જનાત્મક નવીનતા અને ઝડપી ટેક્નોલોજી અપનાવવાની પ્રક્રિયા ઝડપી થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (ભારત સરકાર) દ્વારા પ્રમોટેડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ઉદઘાટન થયેલ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ)એ મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ચર્ચા, સહકાર અને નવીનતા માટેનો મહત્ત્વપૂર્ણ મંચ છે. આ કાર્યક્રમ વિશ્વભરના ઉદ્યોગના નેતાઓ, સ્ટેકહોલ્ડરો અને ઉદ્યોગ સાહસિકોની વિચારધારાઓને સાથે લાવે છે જેથી ભારતના મનોરંજન ક્ષેત્રમાં વેપાર અને વિકાસ માટે નવી દિશાઓ ઊભી કરી શકાય.

નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સમાં દરેક શેરનો હિસ્સો ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પર આધારિત છે અને દરેક શેર માટે મહત્તમ પાંચ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઈન્ડેક્સની બેઝ તારીખ 1 એપ્રિલ, 2005 છે અને પડતર મૂલ્ય રૂ. 1000 રાખવામાં આવ્યું છે. ઈન્ડેક્સને અર્ધવાર્ષિક આધારે પુનઃ રચના કરવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે ફરી સંતુલિત કરવામાં આવશે.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભારતની આગામી સૌથી મોટી નોંધપાત્ર નિકાસ અમારી કલ્પનાશક્તિ છે — અમારી વાર્તાઓ, સંગીત, નવીનતા અને સર્જનાત્મક સ્પિરિટ છે. WAVES દ્વારા આપણે આપણા સાંસ્કૃતિક વારસાને ડિજિટલ ભવિષ્ય સાથે જોડતો એક પૂલ બનાવી રહ્યા છીએ. નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સનું લોન્ચિંગ અમારી સફળતાને માપવાનું એક સશક્ત સાધન છે, જે નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના MD અને CEO આશિષકુમાર ચૌહાણે નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ અંગે જણાવ્યું હતું કે આ ઈન્ડેક્સને દાખલ કરતાં અમને ગૌરવ છે. એ ભારતનાં સૌથી ગતિશીલ ક્ષેત્રોમાંના એક ક્ષેત્રના પ્રદર્શન અંગે ઊંડાં નિરીક્ષણો પૂરાં પાડે છે. તે માર્કેટ ટ્રેન્ડ્સને સમજવામાં સહાય કરે છે અને ભારતના સર્જનાત્મક અર્થતંત્રની પૂર્ણ ક્ષમતાને અનલોક કરવામાં સહાયક બનશે.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આજે WAVES 2025 દરમિયાન @NSEIndiaનું ડિજિટલ ઘંટ વગાડી “NSE નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ”નો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૌનિકની હાજરીમાં ઈન્ડેક્સના અધિકૃત બ્રોશરનું પણ વિમોચન કર્યું હતું.