બાંગ્લાદેશી ઘૂસણખોરીને મામલે NIA કરશે તપાસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે કથિત રીતે ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓને ભારતમાં ઘુસાડવામાં સંકળાયેલી એક ગેંગની તપાસ શરૂ કર્યા બાદ હવે આ કેસ કેન્દ્રીય તપાસ એજન્સી NIAને સોંપી દીધો છે. તપાસ સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ એજન્સીને આપવામાં આવ્યા છે, જેથી ઘૂસણખોરીના સમગ્ર નેટવર્કની વિગતવાર તપાસ કરી શકાય.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગયા વર્ષના એપ્રિલમાં ગુનાહિત કાવતરા સંબંધિત કલમો હેઠળ એક કેસ નોંધ્યો હતો, જેને “મુખ્ય ષડયંત્ર” તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં સ્પેશિયલ સેલે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં એવા લોકો પણ સામેલ છે જેઓ કથિત રીતે પ્રવાસીઓને સરહદ પાર કરાવવામાં મદદ કરતા હતા અને તેમને નકલી આધાર કાર્ડ તથા મતદાર ઓળખપત્ર પૂરાં પાડતા હતા.

સરહદી રાજ્યોમાં સક્રિય નેટવર્ક

દિલ્લી પોલીસને જાણવા મળ્યું હતું કે દેશનાં સરહદી રાજ્યોમાંથી અનેક નેટવર્ક ચેનલો કાર્યરત હતાં. આ પછી મુખ્ય કાવતરાની FIRમાં જાલસાજી અને વિદેશી અધિનિયમ સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી.

ત્યારબાદ દિલ્હી પોલીસે અન્ય રાજ્યોમાં પોતાના સમકક્ષ વિભાગોને પત્ર લખીને માહિતી શેર કરી, જેને આધારે તે રાજ્યોની પોલીસે પણ અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હવે NIAએ સમગ્ર ગેંગનો પર્દાફાશ કરવા અને નાણાકીય સ્ત્રોત (ફંડિંગ) શોધવા માટે કેસ પોતાના હાથમાં લીધો છે. એ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે NIA આ મામલે નવી FIR પણ નોંધાવે એવી શક્યતા છે.

દિલ્હી પોલીસે ચલાવ્યું હતું વિશેષ અભિયાન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ દિલ્લી પોલીસે ગયા વર્ષે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ માટે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન જાન્યુઆરીથી એપ્રિલ સુધી ચાલ્યું હતું, જોકે અધિકારીઓનું કહેવું છે કે તે હજુ પણ ચાલુ છે. અધિકારીઓએ FRRO (ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ)ની મદદથી ગેરકાયદે પ્રવાસીઓને દેશ બહાર કાઢવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરી હતી.