દિલ્હીમાં ચાર મહિના ભરતની જેમ કામ કરીશઃ CM આતિશી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ દિલ્હી CM પદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમણે અનોખી રીતે ચાર્જ સંભાળ્યો છે. તેમણે CMની ખુરશીની બાજુમાં એક ખાલી ખુરશી રાખીને પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીના CM તરીકે ચાર મહિના સુધી એ રીતે કામ કરશે, જેવી રીતે ભરતે ભગવાન રામની પાદુકા સિંહાસન પર રાખીને કામ કર્યું હતું.

દિલ્હીના સિંહાસન પર આશા છે કે લોકો ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત ચૂંટણીમાં કેજરીવાલને ફરીથી લઈ આવશે, ત્યાં સુધી CM ઓફિસમાં તેમની ખુરશી ખાલી રહેશે. કેજરીવાલે રાજકારણમાં ગરિમા અને નૈતિકતાની મિસાલ કાયમ કરી છે. ભાજપે તેમની છબિ બગાડવામાં કોઈ કસર નથી છોડી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે દિલ્હીના CMનો કાર્યભાર સંભાળતાં કહ્યું હતું કે મારા મનમાં એ વ્યથા છે, જે ભરતજીની હતી. છેલ્લાં બે વર્ષથી કોર્ટે કેજરીવાલ પર કીચડ ઉછાળવામાં કોઈ કસર નથી છોડી. છ મહિના માટે જેલમાં નાખ્યા હતા. કોર્ટે પણ કહ્યું હતું કે કેજરીવાલને એજન્સીએ દુર્ભાવનાથી ધરપકડ કરી હતી. આ ખુરશી કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા કેજરીવાલને જિતાડીને ફરીથી CM બનાવશે. ત્યાં સુધી કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

આતિશીએ શનિવારે મંત્રીમંડળ સાથે દિલ્હીના આઠમા CM તરીકે શપથ લીધા હતા. તેમણે 13 વિભાગો જાળવી રાખ્યા છે. આતિશી પછી સૌથી વધુ આઠ વિભાગોની જવાબદારી ભારદ્વાજ પાસે છે.