નિર્ભયા કેસઃ શું ફાંસી ફરી એક વાર ટળશે?

નવી દિલ્હીઃ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ મામલે ફાંસીની સજા પામેલા ચારે અપરાધીઓમાંના એક પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કરી છે. આ અરજીમાં અપરાધી પવને સુપ્રીમ કોર્ટને ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલવાની માગ કરી છે. આ સિવાય પવનકુમાર ગુપ્તાએ નીચલી અદાલત દ્વારા જારી કરવામાં આવેલા ડેથ વોરન્ટને અટકાવવાની માગ કરી છે. પવનના વકીલે એ.પી. સિંહે ક્યુરેટિવ અરજી દાખલ કરતાં કહ્યું છે કે પવનને ફાંસીની સજા ના આપવી જોઈએ. પવને પોતાની અરજીમાં ઘટના સમયે પોતે સગીર હોવાનું જણાવ્યું હતું.

પવન પાસે ફાંસીને રોકવાના હજી વધુ વિકલ્પ

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આ પહેલાં ત્રણે દોષીઓ-મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજી પહેલેથી રાષ્ટ્રપતિને કરી દીધી છે. ચારોમાંથી માત્ર પવન ગુપ્તા જ એક એવો અપરાધી છે, જેણે અત્યાર સુધી પોતાના બધા કાનૂની વિકલ્પ પૂરા નથી કર્યા. પવનની પાસે હજી રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. આ સિવાય અક્ષયે પણે હજી રાષ્ટ્રપતિની દયા અરજી કાઢી નાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર પણ નથી આપ્યો, જ્યારે બે અન્ય આરોપીઓએ દયા અરજી કાઢી નખાયા બાદ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો પણ હતો.

ત્રીજી માર્ચે અપાનારી ફાંસી શું પાછી ટળશે

ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીએ ચારે આરોપીઓને ત્રીજી માર્ચે ફાંસી આપવા માટે ડેથ વોરન્ટ જારી કર્યું છે. ત્રીજી માર્ચે સવારે છ વાગ્યે ચારે આરોપીઓને ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. કાયદાકીય જોગવાઈ મુજબ કોઈ પણ અપરાધીના બધા કાનૂની વિકલ્પ પૂરા નહીં થાય ત્યાં સુધી તેને ફાંસી ના આપી શકાય.  જો કોર્ટ અપરાધીની અરજી કાઢી નાખે તો પણ તેને અન્ય કાનૂની વિકલ્પો માટે 14 દિવસનો સમય મળે છે.