મહારાષ્ટ્રઃ શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામતનો કાયદો લવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર રાજ્યમાં મુસ્લિમ સંપ્રદાયના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજોમાં અનામત આપવા માટે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આજે રાજ્યના અલ્પસંખ્યક મંત્રી નવાબ મલિકે આની જાહેરાત કરી છે. જો કે આ મામલે રાજનીતિ શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ સંપ્રદાયને જલ્દી જ શાળા અને કોલેજોમાં 5 ટકા અનામત આપવામાં આવશે. આના માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવશે. મહા વિકાસ અઘાડીમાં શામિલ કોંગ્રેસ અને એનસીપી પહેલાથી જ શૈક્ષણિક સંસ્થાનોમાં પાંચ ટકા મુસ્લિમ અનામતના પક્ષમાં જ રહી છે.

મહારાષ્ટ્રના રાજ્યમંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં સરકારી શિક્ષણ સંસ્થાનોમાં મુસ્લિમોને 5 ટકા કોટા પ્રદાન કરવા માટે વિધેયક લાવશે. નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા મુસ્લિમોને શિક્ષણ સંસ્થાનોમાં કોટા આપવાને લઈને કહ્યું કે, સરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં મુસ્લિમોને 5% અનામત આપવા માટે હાઈકોર્ટે પોતાનો પક્ષ રાખ્યો. ગત સરકારે આના પર કોઈ કાર્યવાહી નહોતી કરી એટલા માટે અમે જાહેરાત કરી છે કે અમે જલ્દીથી કાયદાના રુપમાં હાઈકોર્ટના આદેશને લાગૂ કરીશું.

હકીકતમાં વર્ષ 2014 માં મુસ્લિમ વિદ્યાર્થીઓને આરક્ષણ આપવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં આવેલી ફડણવીસ સરકારે આના પર કોઈ પગલા ન ભર્યા. જો કે ગત સરકારમાં પણ શિવસેનાએ સ્પષ્ટ કર્યું હતું કે તે મુસ્લિમ અનામત પાસ કરાવવાના પક્ષમાં છે. હવે શિવસેનાએ આ વાતને એકવાર ફરિથી શરુ કરી છે.