હૈદરાબાદઃ ગોવા અને પડોશી દેશ નેપાળમાં ચિકોટી પ્રવીણકુમાર દ્વારા આયોજિત કેસિનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ટોલીવૂડ અને બોલીવૂડ એક્ટર્સને લાખ્ખો અને કરોડો રૂપિયાની લેવડદેવડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવ્યા છે, જેથી આ કાર્યક્રમના આયોજકને ગેરકાયદે નાણાંની લેવડદેવડ માટે EDએ તપાસ માટે બોલાવ્યા હતા.
ED પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કુમારે મલ્લિકા શેરાવતને રૂ. એક કરોડ, ઇશા રેબ્બાને રૂ. 40 લાખ, ગણેશ આયાર્યને રૂ. 20 લાખ અને મુમૈત ખાનને પ્રમોશનલ વિડિયો માટે રૂ. 15 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ ચુકવણી EDની રડાર હેઠળ છે.
EDને આશંકા છે કે કુમારે કેસિનો કાર્યક્રમ દરમ્યાન હવાલા થકી વ્યવહારને છુપાવવા માટે એક્ટરની હાજરીનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષના જૂનની 10થી 13 જૂન સુધી બંગાળના સિલિગુડી જિલ્લાની સરહદથી લાગેલા નેપાળના ઝાપામાં હોટેલ મેરી ક્રાઉનમાં કુમાર અને માધવ રેડ્ડી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કમસે કમ 10 એક્ટરોએ ભાગ લીધો હતો. જે પછી આ મહિનાના પ્રારંભે EDએ તપાસ હાથ ધરી હતી.
EDના અધિકારીઓને આશંકા છે કે આરોપીઓ હવાલા વ્યવહાર થકી નાણાં ભારતમાં લાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત કુમારને એક્ટર્સ ઉપરાંત દેશનાં રાજ્યોના 16 MLA સાથે પણ સંબંધ હોવાનો આરોપ છે.
EDના અધિકારીઓએ સાઇદાબાદ અને બોવેનપલ્લીના પ્રવીણ અને રેડ્ડીનાં ઘરોમાં દરોડા પાડ્યા પછી કુમારને તપાસ માટે નોટિસ જારી કરી છે. અધિકારીઓએ તેના મોબાઇલ ફોન્સ, લેપટોપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ FEMA હેઠળ જપ્ત કર્યાં છે. વળી, કુમાર પર ચેન્નઈ સ્થિત જ્વેલર્સનાં ગેરકાયદે રોકડ નાણાંની હેરફેર કર઼વાનો આરોપ પણ EDએ મૂક્યો છે. નેપાળમાં થયેલી આ ઇવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલના એક પ્રમોશનલ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે કહે છે કે આ કાર્યક્રમમાં સામેલ થશે. આ ઇવેન્ટમાં મેઘના નાયડુ, વિલ્સન અને ગોવિંદા પણ હોવાની ચર્ચા છે.