નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ અટકળોનું બજાર ગરમ છે. મહારાષ્ટ્રમાં ભાજપની ક્યારેક સહયોગી રહેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના શું ફરીથી ભાજપની સાથે ગઠબંધન કરશે? એના પર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડનવીસે રાજકીય ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની સાથે ગઠબંધન ના થઈ શકે. રાજકીય મતભેદ હોઈ શકે અને એને ઉકેલવા સરળ છે. એ બાબતે કોમન ગ્રાઉન્ડ બનાવીને સાથે આવી શકે છે, પણ અહીં અમારી વચ્ચે હવે મનભેદ થયા છે. તેઓ અને તેમના લોકો દિવસ-રાત અમારા નેતા વડા પ્રધાન મોદીને ગાળો આપે (જે અમારા વિરોધીઓ પણ નથી કરતા) તો મને નથી લાગતું કે અમે સાથે જઈ શકીશું. શિવસેના (U) સાથે ગઠબંધનનો હાલ સવાલ નથી.
અમે દુઃખી છીએ એટલે સાથે જવાનો સવાલ જ નથી. તેઓ દિવસે ઊઠતાની સાથેથી માંડીને રાતના સૂવા સુધી 10થી 20 ગાળો મોદીના ના આપે, ત્યાં સુધી તેમને જમવાનું પચતું નથી. તેમણે તેમનો રસ્તો પકડ્યો છે અને અમે અમારો રસ્તો પકડ્યો છે.આ પહેલાં જ્યારે અમારું ગઠબંધન હતું, ત્યારે દિવસ-રાત ઉદ્ધવ ઠાકરેથી વાતચીત થઈ હતી, પણ જ્યારથી તેમણે અન્યો સાથે ગઠબંધન કર્યું, ત્યારે તેમણે શિષ્ટાચાર પણ નથી કર્યો, તેમણે એમ પણ નથી કહ્યું કે દેવેન્દ્રજી તમારી સાથે નથી જવું તો દરવાજો તો તેમણે બંધ કર્યો છે, એમ તેમણે કહ્યું હતું.